Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

ચીન - અમેરિકામાં લાકડાની માંગ વધી

હવે લાકડુ મોંઘુ : ફર્નિચર માટે આપવા પડશે વધુ રૂપિયા : સૌથી વધુ ઉત્પાદન કંડલા - ગાંધીધામમાં

અમદાવાદ તા. ૧૨ : જો તમે પોતાના ઘર, દુકાન કે ઓફિસ માટે ફર્નિચર ખરીદવાનો વિચાર કરી રહ્યા હોવ તો થોડા વધારે પૈસા વપરાય તેની તૈયારી રાખજો. લાકડાના ભાવમાં થયેલા વધારાને કારણે ફર્નિચરની કિંમતોમાં પણ વધારો જોવા મળ્યો છે. ચીન અને યુએસએમાં લાકડાની માંગ વધી છે અને સાથે સાથે માલ ભાડામાં પણ વધારો થયો છે જેના કારણે આંતર્રાષ્ટ્રીય બજારમાં કિંમતોમાં વધારો જોવા મળ્યો છે.

લાકડાના સ્થાનિક ઉત્પાદકોએ હવે ગ્રાહકો પાસેથી વધારે કિંમત લેવાનો નિર્ણય કર્યો છે જેના કારણે ફર્નિચરની કિંમતોમાં લગભગ ૨૦થી ૨૫ ટકાનો વધારો જોવા મળી શકે છે. આ ક્ષેત્રના જાણકારોના જણાવ્યા અનુસાર, સાગ, દેવદાર વગેરેના લાકડા સહિત કાચા માલની કિંમત આંતર્રાષ્ટ્રીય બજારમાં વધી ગઈ છે તેમજ પાછલા પાંચ મહિનામાં માલ ભાડામાં પણ વધારો થયો છે, જેના પરિણામે લાકડાના વસ્તુઓ મોંઘી થઈ છે.

દેશમાં સૌથી વધારે લાકડાના ઉત્પાદકો ગાંધીધામ અને કંડલામાં જોવા મળે છે. ભારત તરફથી આયાત કરવામાં આવતું લગભગ ૭૦ ટકા લાકડું કંડલા અને મુંદ્રાના દીનદયાલ પોર્ટના માધ્યમથી આવે છે. આ ક્ષેત્રમાં લગભગ એક લાખ લોકો કામ કરે છે જેમાંથી ૭૦ ટકા પ્રવાસી મજૂરો છે. લાકડાની કિંમતમાં વધારાને કારણે રીઅલ એસ્ટેટ ઈન્ડસ્ટ્રી પણ પ્રભાવિત થશે કારણકે તેમાં પ્રોસેસ વુડનો ઉપયોગ કરવામાં આવે છે. કંડલા ટિમ્બર અસોસિએશનના અધ્યક્ષ નવનીત ગુજ્જર જણાવે છે કે, અમારી પાસે અન્ય કોઈ વિકલ્પ નથી માટે ગ્રાહકો માટે કિંમત વધારવી પડી છે. કોરોનાને કારણે કામ ઘણુ પ્રભાવિત થયુ હતું, તેમાં હજી માંડ સુધારો થઈ રહ્યો હતો અને હવે આ પ્રકારે કિંમતમાં વધારો થવાને કારણે માર્કેટમાં માંગ ઘણી પ્રભાવિત થશે.

ફર્નિચર બનાવવામાં હાર્ડ વુડનો ઉપયોગ થાય છે, જયારે સાગનો ઉપયોગ દરવાજા અને બારીઓ બનાવવામાં થાય છે. આ સિવાય દેવદારના લાકડાનો ઉપયોગ પેકેજીંગની સામગ્રી બનાવવામાં થાય છે. પ્લાયવુડ અને ટિમ્બરનો ઉપયોગ રિયલ એસ્ટેટ ઈન્ડસ્ટ્રી, ફર્નિચર, પાર્ટીકલ બોર્ડ, રમકડા તેમજ અન્ય વિવિધ ક્ષેત્રોમાં થાય છે. ઉલ્લેખનીય છે કે ટિમ્બરની આયાત ન્યુ ઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, ઉરૂગ્વે, મલેશિયા, આફ્રિકાના દેશો, લેટિન અમેરિકા અને યૂરોપના દેશોમાંથી કરવામાં આવે છે. ઈન્ડસ્ટ્રી દર વર્ષે લગભગ ૪૦ લાખ કયુબિક મીટર લાકડું આયાત કરે છે જેની કિંમત લગભગ ૭૦૦૦ કરોડ રૂપિયા છે.

(11:02 am IST)