Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

ટોળાના હુમલામાં PSIનું મોત, આઘાતમાં માતાનું પણ મૃત્યુ

બિહારના એક શહેરની કમનસીબ ઘટના : કિસનગંજ ટાઉનશિપના પીઆઈ ચોરીના કેસમાં આરોપીને પકડવા ગયા ત્યારે ટોળાએ હુમલો કરતા તેમનું મોત થયું

પટણા, તા. ૧૨ : ચોરીના એક કેસમાં આરોપીને પકડવા તેના ગામ પહોંચેલી પોલીસની ટીમ પર ટોળાંએ હુમલો કરતાં પોલીસ ઈન્સપેક્ટરનું મોત થયું હતું. ઈન્સ્પેક્ટરના મોતના સમાચાર તેમના ઘરે મોકલાતા તેમના વયોવૃદ્ધ માતા દીકરાના મોતનો આઘાત સહન ના કરી શકતાં તેમનું પણ હદયરોગનો હુમલો આવતા મોત નીપજ્યું હતું. માતા અને દીકરાની અંતિમયાત્રા એકસાથે નીકળી ત્યારે આખું ગામ પણ હીબકે ચઢ્યું હતું.

ઘટના બિહારની છે, જ્યાં બંગાળ-બિહાર બોર્ડર પર આવેલા કિસનગંજ ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર અશ્વિની કુમાર પોતાની ટીમ સાથે ચોરીના એક કેસમાં આરોપીને પકડવા ગયા હતા. આરોપી બંગાળના એક ગામમાં રહેતો હતો. પોલીસની ટીમ અડધી રાતે ગામમાં પહોંચા ત્યારે તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. ટીમ પર તૂટી પડેલા ટોળાંને હટાવવા જતાં ટોળાંએ પીઆઈ અશ્વની કુમારને ટાર્ગેટ બનાવ્યા હતા, અને તેમને ઢોર માર મારી મોતને ઘાટ ઉતાર્યા હતા.

ઈન્સ્પેક્ટરના મોતના સમાચાર જ્યારે તેમની માતાને જાણવા મળ્યા ત્યારે તેઓ પણ આઘાતમાં સરી પડ્યા હતા. વયોવૃદ્ધ એવા ઉર્મિલા દેવી દીકરાના મોતથી એવા હચમચી ગયા હતા કે તેમને પણ હાર્ટ અટેક આવી જતાં તેમનું પણ મોત થયું હતું. ઈન્સ્પેક્ટર અશ્વિની કુમારના કાકા સુભાષ સિંહે ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે કુમારના પિતા સાતેક વર્ષ પહેલા સ્વર્ગે સીધાવ્યા હતા. તેમના માતાને પણ ઉંમરને લગતી કેટલીક તકલીફો હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, અશ્વિની કુમારનું મોત થયું ત્યારે તેના વિશે તેમના માતાને જાણ નહોતી કરાઈ. જોકે, તેમનો પાર્થિવ દેહ ઘરે લવાયો ત્યારે તેને જોતા તેમની તબિયત લથડી હતી. થોડી મિનિટોમાં તેમનું પણ મોત થતાં માતા અને દીકરાની અંતિમયાત્રા સાથે કઢાઈ હતી. જેમાં ઉચ્ચ અધિકારીઓ સાથે આખું ગામ પણ જોડાયું હતું.

અશ્વિની કુમાર ૧૯૯૪ની બેંચના ઈન્સ્પેક્ટર લેવલના અધિકારી હતા. તેઓ ૫૨ વર્ષના હતા. કિસનગંજ ટાઉનમાં તેમની ગયા વર્ષે ઓગષ્ટ મહિનામાં નિમણૂંક થઈ હતી. તેઓ બાઈક ચોરીના એક કેસમાં પોતાની ટીમ સાથે બંગાળના એક ગામમાં આરોપીની ધરપકડ કરવા માટે ગયા હતા. તેમના પર હુમલો કરવાની ઘટનાના મુખ્ય આરોપીની બંગાળ પોલીસે ધરપકડ કરી લીધી હોવાનું પણ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર, બિહાર-બંગાળ બોર્ડર પર આવેલા અને કિસનગંજ ટાઉનથી ૧૨ કિમી દૂર એવા પાંતાપારા ગામમાં શનિવારે રાત્રે .૩૦ કલાકે બિહાર પોલીસની ટીમ આરોપીને પકડવા પહોંચી હતી. જોકે, તે વખતે આરોપી મોહમ્મદ ઈસરાલે મસ્જિદમાં ઘૂસીને લાઉડસ્પીકરથી ગામમાં પોલીસ આવી હોવાની જાહેરાત કરી લોકોને તેના પર હુમલો કરવા માટે ઉશ્કેર્યા હતા. ઈન્સ્પેક્ટરના મોતના કેસમાં પોલીસે ફરિયાદમાં ૨૧ લોકોનો નામજોગ ઉલ્લેખ કરવા ઉપરાંત ૫૦૦ વ્યક્તિના ટોળાં સામે પણ ફરિયાદ નોંધી છે.

(7:52 pm IST)