Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

રાફેલ ફાયટર જેટ મામલે ૯ કરોડની કટકીના આરોપ સાથે વડાપ્રધાન સામે સુપ્રિમ કોર્ટમાં જાહેર હિતની અરજીઃ છેતરપિંડી-વિશ્વાસનો ભંગ અને ગુનાહિત કાવતરાનો કેસ દાખલ કરવા માંગ

નવી દિલ્હીઃ રાફેલ ફાઇટર જેટ મામલે આશરે 9 કરોડની કટકી આપી હોવા આરોપ થયો છે. સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે. અરજીમાં છેતરપિંડી, વિશ્વાસનો ભંગ અને ગુનાહિત કાવતરુંના કેસો દાખલ કરવાની માંગ કરવામાં આવી છે.

તાજેતરમાં જ ફ્રાન્સના મીડિયા પોર્ટલે દાવો કર્યો હતો કે ભારતના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ સુશેન ગુપ્તા નામના વચેટિયાને દસોલ્ટ અને તેની સહાયક કંપની તરફથી આપવામાં આવેલી રકમની તપાસ કરવામાં આવી નહીં.

બે સપ્તાહ બાદ થશે સુનાવણી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે રાફેલ ડીલ મામલે ખટલે ચલાવવા અંગે સુપ્રીમ કોર્ટમાં જાહેરહિતની અરજી (PIL) દાખલ કરવામાં આવી છે. અરજી મનોહર લાલ શર્મા નામના એડવોકેટે કરી છે. ઉપરાંત વચેટિયા સુશેન ગુપ્તા સામે પણ આવો કેસ ચલાવવાની માગ પણ કરવામાં આવી છે. અરજદારે કોર્ટની દેખરેખમાં સીબીઆઇ તપાસની માગ કરી છે. આ મુદ્દે કોર્ટમાં બે સપ્તાહ બાદ સુનાવણી હાથ ધરાશે.

એડવોકેટ મનોહર લાલ શર્માએ અગાઉ 2015માં પણ અરજી કરી હતી

અખબારી અહેવાલ મુજબ 6 એપ્રિલે PIL દાખલ કરાઇ હતી. પરંતુ મનોહર લાલ શર્માએ રવિવારે તેને જાહેર કરી. વકીલ શર્માએ અગાઉ 2015માં પણ આ મામલે અરજી કરી હતી. જે 2018માં ફગાવી દેવાઇ હતી. હવે તેમણે ફ્રાન્સના મીડિયા અહેવાલના આધાર પર ફરી અરજી દાખલ કરી છે. જેની સુનાવણી બે સપ્તાહ પછી થવાની છે.

ફ્રાન્સના મીડિયાપાર્ટ પોર્ટલે દેશની ભ્રષ્ટાચાર વિરોધી એજન્સીની તપાસનો ઉલ્લેખ કરી રિપોર્ટ લખ્યો છે કે દસોલ્ટ એવીએશન રાફેલના 50 મોડેલ માટે ડેફસિસ સોલ્યુશન નામની ભારતીય વચેટિયા કંપનીને 10 લાખ (આશરે હાલના 8,91,1000 રુપિયા) યુરો ચુકવ્યા હતા.

સંરક્ષણના દસ્તાવેજથી દેશની ગુપ્ત નીતિઓ દસોલ્ટે જાણી લીધીઃ દાવો

પોર્ટલમાં એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે ગુપ્તાએ સંરક્ષણ મંત્રાલયમાંથી દસ્તાવેજ મેળવી લીધા હતા. જે તેણે દસોલ્ટ એવિએશનને આપ્યા હતા. આ દસ્તાવેજથી ભારતની ગુપ્ત નીતિઓ કંપની સમક્ષ ઉજાગર થઇ ગઇ હતી. ગુપ્તાના આ કામથી કંપનીને રાફેલ વિમાન ભારતને વેચવામાં મદદ મળી હતી.

સુશેન ગુપ્તા ઓગસ્ટા વેસ્ટ લેન્ડ વીવીઆઇપી હેલિકોપ્ટર ડીલમાં કટકીના આરોપનો સામનો કરી રહ્યો છે. ઇડીએ 2019માં ગુપ્તાની જામીમ અરજીનો વિરોધ કરતા કહ્યું હતું કે દુબઇના રહેવાસી રાજીવ સક્સેના પાસેથી મળેલી ડાયરીમાં જણાયું છે કે તેણે કોઇ RGને 50 કરોડ રુપિયા આપ્યા હતા.

વકીલે 2019ની ચૂંટણી રદ કરવા પણ અરજી કરી હતી

મનોહર લાલ શર્માએ EVMની વિશ્વસનીયતા અંગે પણ સવાલ ઉઠાવી 2019ની ચૂંટણીઓ રદ કરવાની પીઆઇએલ કરી હતી. ત્યારે કોર્ટે કડક શબ્દોમાં અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો હતો.

(5:32 pm IST)