Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

છત્તીસગઢ પોલીસમાં થર્ડ જેન્ડરનું અન્ય કર્મચારીઓ સાથેના કદમ તાલનું કાઉન્ટ ડાઉનઃ પોલીસ અને થર્ડ જેન્ડરની છબી બદલનારુ પગલુ

પહેલીવાર પોલીસ ભર્તી માટે થર્ડ જેન્ડરને સ્થાન અપાયુઃ લેખીત અને શારિરીક કસોટી માટે થર્ડ જેન્ડરની આકરી તૈયારી : હાલમાં વ્યંઠળ સમાજના ફકત ૩ લોકો પોલીસમાં છેઃ છત્તીસગઢ પોલીસ દરેક જીલ્લામાં આ સમુદાયના લોકોને ગ્રાઉન્ડ ટ્રેનીંગ આપી રહી છેઃ કુલ ૪૦ જેટલા થર્ડ જેન્ડરના સભ્યોએ અરજી કરી

નવી દિલ્હી : કાલ સુધી જે વર્ધીનો ધોંસ જમાવી પોલીસ વાળા ટ્રેનમાં કે ચોક ઉપર અમને ''છક્કા'' કહીને કાઢી મૂકતા હતા, વિચારો કે એ જ વર્ધી અમારા ઉપર કેવી લાગશે? અમે લોકો એક નવો ઈતિહાસ લખવાની તૈયારી કરી રહ્યા છીએ. પોતાની ડબડબાયેલ આંખો સાથે સંજના આ સવાલ અને જવાબ એક સાથે ઉછાળી ફરી પોતાના અભ્યાસમાં લાગી જાય છે.

રાયપુરની રહેવાસી સંજના થર્ડ જેન્ડરના એ સમુદાયમાં સામેલ છે. જેમણે પોલીસમાં ભર્તી થવા દિવસ - રાત એક કરી છે. એક તરફ લેખિત પરીક્ષા માટે ભાગવાનું અને પછી કેટલાય કલાકો સુધી શારીરિક પરીક્ષા માટેની તૈયારી કરવી કોઈ ચેલેન્જથી ઓછી નથી પણ થર્ડ જેન્ડર સમુદાય સાથે જોડાયેલ લોકોનો ઉત્સાહ બતાવે છે કે તેઓ આ ચેલેન્જ માટે તૈયાર છે.

છત્તીસગઢ સરકારે પોલીસમાં ભર્તી થવા માટે ૨૨૫૯ પદો માટે પહેલી વાર થર્ડ જેન્ડરને તક આપી છે. આ પદો ઉપર ભર્તી માટે થર્ડ જેન્ડર સમુદાયથી જોડાયેલ કોઈપણ વ્યકિત પોતાની સુવિધાથી મહિલા કે પુરૂષ વર્ગમાં અરજી કરી શકે છે. જે વર્ગમાં આવેદન કરાશે તે વર્ગ મુજબ થર્ડ જેન્ડરની વ્યકિતએ તે મુજબના શારીરીક માપદંડ પુરા કરવા પડશે.

સમાજ કલ્યાણ વિભાગ, છત્તીસગઢના મંત્રી રમશીલા સાહુએ દાવો કર્યો છે કે છત્તીસગઢ દેશનું પહેલું રાજય છે. જેમાં તૃતીય લીંગ કલ્યાણ બોર્ડ બનાવાયુ અને ત્યાર બાદ સમાજના બધા વર્ગોમાં સંવેદનશીલતા જગાવવા માટે સતત શિબિર પણ કરવામાં આવી છે.

વધુમાં સાહુએ જણાવેલ કે અમારા પ્રયાસો છે કે થર્ડ જેન્ડર સમૂહના લોકોને પણ સમાજમાં સમાન અધિકાર મળે અને બધી સરકારી યોજનાઓનો લાભ મળે. હવે સરકારી નોકરીમાં પણ આ વર્ગને જગ્યા આપવામાં આવે છે. જયારે હવે છત્તીસગઢ સરકારે પોલીસ ભર્તી માટે જાહેરાત આપી તો તેમાં પહેલીવાર થર્ડ જેન્ડર માટે વિશેષ નિર્દેશ અપાયેલ.

છેલ્લા કેટલાક વર્ષોથી થર્ડ જેન્ડર સમુદાયની સમાજમાં સ્વીકાર્યતા, તેમના સ્વાસ્થ્ય અને તેમની આજીવીકા જેવા મુદ્દાઓ પર કામ કરી રહેલા વિધ્યા રાજપુત મુજબ દેશમાં થર્ડ જેન્ડર સમુદાયનું પોલીસમાં કામ કરવાના ફકત ત્રણ મામલા સામે આવ્યા છે, જેને માટે પણ તેમને લાંબી કાયદાકીય લડત લડવી પડી હતી.

 સરકારના થર્ડ જેન્ડર વેલફેર બોર્ડની સદસ્યા વિધ્યાએ વધુમાં જણાવ્યું કે દેશમાં પહેલીવાર પોલીસ ભર્તીમાં થર્ડ જેન્ડર ને  સ્થાન આપવામાં આવી રહયું છે, તેને લઇને અમારા સમુદાયમાં ભારે ઉત્સાહ પ્રર્વત્યો છે. મારી પાસે જે માહીતી છે તે મુજબ અત્યાર સુધી થર્ડ જેન્ડર સમુદાયના ૪૦ થી વધુ લોકોએ ભર્તી માટે અરજી કરી છે જેમાં સરગુજા થી લઇને માઓવાદ પ્રભાવીત કોંડાગામ સુધીના લોકો સામેલ છે મને એ વાતની ખુશી છે કે ગ્રાઉન્ડની તૈયારી માટે પોલીસ દરેક જીલ્લામાં થર્ડ જેન્ડર  ને પ્રશિક્ષણ આપી રહી છે.

 રાયપુર પોલીસ ફિલ્ડમાં પ્રશિક્ષણ લેનાર તનુશ્રી જણાવે છે કે તમે માનીને ચાલોકે પોલીસમા ભર્તી થવા માટે મને કોઇ રોકી શકે તેમ નથી, ખુબજ મહેનત કરીને પોલીસમાં જગ્યા બનાવીને રહીશ. તેવી જ રીતે બિલાસપુરની પુર્ણીમા અનુસાર અત્યાર સુધી અમારી ઓળખ તાલીઓ વગાડવી, ટ્રેનોમા ભીખ માંગવી અને લોકોના ઘરે અભિનંદનના ગીત ગાવા પુરતી સીમીત હતી, પણ હવે અમે જનતાની સુરક્ષામાં પણ સામેલ થવાના છીએ

 રાજાનાંદગામા વિસ્તારની થર્ડ જેન્ડર સમુદાયની ગીતા ઇચ્છે છે કે જો તેમની પોલીસમાં ભર્તી થઇ જાય તો પ્રશિક્ષણ બાદ તેનું પહેલું પોસ્ટીંગ બસ્તર વિસ્તારમાં થાય, જયાં તે માઓવાદીઓ સાથે બે-બે હાથ કરી શકે. જયારે કેટલાક લોકો એવા છે કે પોલીસની ભર્તીની આ પરીક્ષા તેમની ઓળખની પણ પરીક્ષા બની ગઇ છે.

 બસ્તરની રહેવાસી બિજલીને પાડોશ અને સમાજના લોકો હજી પણ પુરુષ રૂપે જ જાણે છે. તેમણે રમત-ગમત સ્પર્ધાઓમાં પુરુષ તરીકે ભાગ લઇ રાજય સ્તરે કેટલાય મેડલ જીત્યા છે. પણ પુરુષ તરીકેની ઓળખથી તે કંટાળી ગઇ છે બીજલીના જણાવ્યા મુજબ હું થર્ડ જેન્ડર સમુદાયમાંથી છું અને આ વાત આજ સુધી સાર્વજનીક નથી થઇ. હું આજે પણ લોક લાજના ભયથી મારી ઓળખ છુપાવી રહી છું પણ એક વખત પોલીસમાં મારી ભર્તી થઇ જાય તે પછી હું મારી રીતે જીવી શકીશ.

 સામાજીક કાર્યકર્તા અને મનોવૈજ્ઞાનિક ડો. પ્રેરણા સકસેના માને છે કે છત્તીસગઢ સરકારે છેલ્લા થોડા મહિનાઓમા થર્ડ જેન્ડર પ્રતિ સંવેદનશીલતા ઉભી કરવા એક પછી એક જે કાર્ય શાળાઓનું આયોજન કયુંર્ છે એનાથી સમાજમાં મોટો ફરક પડયો છે પોલીસમાં ભર્તીની આ પહેલનું સ્વાગત કરવામાં આવે. છત્તીસગઢ પોલીસમાં થર્ડ જેન્ડરની ભર્તીની શરુઆત આ સમુદાયની છબી બદલીને રાખશે. થોડા દિવસોમાં ભર્તીની પરીક્ષા શરૂ થશે અને ત્યારબાદ એ નકકી થશે કે થર્ડ જેન્ડરની છબી કેટલી હદ સુધી બદલશે. થર્ડ જેન્ડરની સાથે-સાથે આ છત્તીસગઢ પોલીસની પણ ઓળખ બદલનાર સાબીત થશે. જયાં પહેલીવાર થર્ડ જેન્ડર સમુદાય સાથે સંકળાયેલ લોકો મહિલા અને પુરુષ પોલીસ કર્મીઓ સાથે કદમ તાલ કરશે.

(2:31 pm IST)