Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

ભાગેડુ માલ્યાના પ્રત્યર્પણ માટે ભારતે માગી UKની મદદ

કેન્દ્રિય ગૃહ રાજ્યમંત્રીએ બ્રિટનના તેમના સમકક્ષ સાથે કરી વાત

લંડન તા. ૧૨ : ભારતે ભાગેડુ દારૂના વેપારી વિજય માલ્યાના જલદી પ્રત્યર્પણ માટે ગુરુવારે બ્રિટનનો સહકાર માંગ્યો. ફ્રોડ અને ૯,૦૦૦ કરોડ રૂપિયાના મની લોન્ડ્રિંગને લગતા મામલામાં માલ્યાના પ્રત્યર્પણ માટે બ્રિટનમાં કાયદાકીય પ્રક્રિયા ચાલી રહી છે. બ્રિટનના સિકયોરિટી એન્ડ ઈકોનોમિક ક્રાઈમ મામલાના મંત્રી બેન વેલેસની સાથે દ્વિપક્ષીય બેઠકમાં ગૃહ રાજયમંત્રી કિરન રિજિજૂએ વેસ્ટમિનિસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાલી રહેલા પ્રત્યર્પણ મામલાની જાણકારી મેળવી.

દ્વિપક્ષીય વાતચીત દરમિયાન રિજિજૂએ ભાગેડુ ઉદ્યોગપિતના જલદી પ્રત્યર્પણમાં બ્રિટનનો સહકાર માગ્યો. બેઠક બાદ રિજિજૂએ ટ્વીટ કર્યું કે, 'બ્રિટનના સિકયોરિટી એન્ડ ઈકોનોમિક ક્રાઈમ મામલામાં મંત્રી બેન વેલેસની સાથે દ્વિપક્ષીય બેઠક સાર્થક રહી. અમે સાઈબર સિકયોરિટી, ધાર્મિક કટ્ટરતા, ભારત અને બ્રિટનમાં વોન્ટેડ લોકોના પ્રત્યાર્પણ અને માહિતીઓના આદાન-પ્રદાનના મુદ્દાની વાત કરી.'

એક અધિકારીએ જણાવ્યું કે, રિજિજૂએ માલ્યા, આઈપીએલના પૂર્વ કમિશનર લલિત મોદી, ક્રિકેટ બુકી સંજીવ કપૂર સહિત ૧૩ લોકોના પ્રત્યર્પણમાં બ્રિટનના સહકારની અપીલ કરી. ભારતે તે ઉપરાંત ૧૬ અન્ય કથિત આરોપીઓ સામે કાયદાકીય કાર્યવાહીમાં બ્રિટનનો સહકાર માગ્યો. રિજિજૂએ પોતાના બ્રિટિશ સમકક્ષને એમ પણ કહ્યું કે, બ્રિટન પોતાની ધરતીનો કાશ્મીરીઓ અને ખાલિસ્તાની અલગતાવાદીઓ દ્વારા ભારત વિરોધી ગતિવિધીઓમાં ઉપયોગ ન થવા દે.

બેઠકમાં ભારત વિરોધી શીખ સમૂહોની બ્રિટનમાં ગતિવિધીઓ અને ઉગ્રવાદી સમૂહો દ્વારા યુવાનોને કટ્ટર બનાવવાના પ્રયાસો પર પણ ચર્ચા થઈ. અધિકારીએ જણાવ્યું કે, દ્વિપક્ષીય બેઠક એક કલાકથી વધુ સમય સુધી ચાલી. તેમણે જણાવ્યું કે, 'રિજિજૂએ સુરક્ષા સાથે સલંગ્ન મામલા પર ચર્ચાને જારી રાખવા માટે વેલેસને ભારત આવવાનું આમંત્રણ આપ્યું.'

ભારત સૌથી વધુ મુસ્લિમ વસ્તીવાળો દેશ છે, પરંતુ અહીં ઘણા જ ઓછા કટ્ટર તત્વોએ ખૂંખાર આતંકવાદી સંગઠન આઈએસને જોઈન કર્યું છે. એવામાં બ્રિટન સરકારે ઈસ્લામી આતંકવાદનો સામનો કરવાના ભારતના અનુભવોથી શીખવામાં રસ દાખવ્યો છે.(૨૧.૪)

(3:42 pm IST)