Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

ડિજિટલ પ્લેટફોર્મ કેન્દ્રના I&B મંત્રાલય હેઠળ લવાયા

કેન્દ્ર સરકારે જાહેરાનામું બહાર પાડ્યું : કેન્દ્ર સરકારે સુપ્રીમકોર્ટમાં એક કેસમાં તરફેણ કરતા કહ્યું હતું કે ઓનલાઈન માધ્યમોનું નિયમન ટીવી કરતા વધુ જરૂરી છે

નવી દિલ્હી,તા.૧૧ : ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ પર તમામ પ્રકારના મીડિયાના નિયમન માટે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. દેશમાં કાર્યરત ઓનલાઈન ન્યુઝ પોર્ટલ, ઓટીટી, ફિલ્મો સહિતના પ્રોગ્રામ્સ હવે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયની હેઠળ આવશે. અગાઉ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એક કેસમાં તરફેણ કરતા કહ્યું હતું કે ઓનલાઈન માધ્યમોનું નિયમન ટીવી કરતા વધુ જરૂરી છે. મંગવારે રાતે કેબિનેટ સચિવાલય તરફથી જાહેર કરાયેલા એક જાહેરનામા મુજબ સરકાર ઓનલાઈન પ્લેફોર્મ પર ઉપલબ્ધ સમાચારો, સાંપ્રત ઘટનાઓ, નેટફ્લિક્સ સહિતના ઓનલાઈન કન્ટેન્ટ પ્રોવાઈડર્સને કેન્દ્રના માહિતી અને પ્રસારણ મંત્રાલયના નિયંત્રણ હેઠળ લાવવામાં આવે છે. હવેથી કેન્દ્રીય મંત્રાલય તમામ ડિજિટલ પ્લેટફોર્મ પરના કન્ટેન્ટનું નિયમન કરશે.

           રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તાક્ષર ધરાવતા આ જાહેરનામામાં જણાવાયું છે કે, બંધારણના અનુચ્છેદ ૭૭ની કલમ ૩માં સોંપાયેલી સત્તાનો ઉપગોય કરીને (વ્યવસાય ફાળવણી) નિયમો, ૧૯૬૧માં સંશોધન કરવાનો નિર્ણય લેવાયો છે જેનો અમલ તાત્કાલિક અસરથી થશે. આ જાહેરનામાની સાથે જ માહિતી અને પ્રસારણ મંત્રાલય ઓનલાઈન પ્લેટફોર્મના ન્યુઝ, દ્રશ્ય-શ્રાવ્ય સામગ્રી અને ફિલ્મોના નિયમન માટે નીતિઓ ઘડવાની સત્તા ધરાવે છે. પ્રવર્તમાન સમયે દેશમાં ઓનલાઈન કન્ટેન્ટના નિયમન માટે કોઈ કાયદો અથવા સ્વાયત્ત સંસ્થા નથી. પ્રેસ કમિશન પ્રિન્ટ મીડિયાનું, ન્યુઝ બ્રોડકાસ્ટર્સ એસોસિએશન ન્યુઝ ચેનલોનું નિયમન કરે છે જ્યારે એડવર્ટાઈઝિંગ માટે એડવર્ટાઈઝિંગ સ્ટાન્ડર્ડ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા તેમજ ફિલ્મો માટે સેન્સર બોર્ડ નિયામક છે.

(7:35 pm IST)