Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

મૈસુરમાં પ્રી- વેડિંગના શૂટિંગ દરમ્યાન વર- વધુ નદીમાં ડુબ્યા : બંનેના મોત

પગ લપસતા કાવેરી નદીમાં ડુબી ગયા :પરિવારમાં આક્રંદ

મૈસૂર,તા.૧૧: કોરોનાકાળમાં જરુરી સાવચેતી સાથે લોકો લગ્ન પ્રસંગ ઉજવવા માટે સજ્જ થઈ ગયાં છે. હવે લગ્ન પહેલા પ્રી વેડિંગ ફોટોગ્રાફી પણ ખીલી છે. પોતાના લગ્ન યાદગાર બનાવવા માટે અલગ અલગ જગ્યાએ કપલ પ્રી વેડિંગ શૂટ કરાવે છે ત્યારે મૈસૂરમાં પ્રી વેડિંગ કરાવવા ગયેલા કપલનું ફોટોશૂટ જીવલેણ બન્યું હતું. ફોટોશૂટ દરમિયાન કપલ પાણીમાં ડૂબી ગયું હતું અને બન્નેના મોત નીપજયાં હતાં.

સોમવારે કર્ણાટકના તલકડમાં કાવેરી નદીમાં કપલનું પ્રી વેડિંગ શૂટ ચાલી રહ્યું હતું. આ દરમિયાન બન્નેનું ડૂબવાથી મોત નીપજયું હતું. મૈસૂરમાં કથાનમારહલ્લીના નિવાસી મૃતક શશિકલા અને ચંદુની એક અઠવાડિયા પહેલા સગાઈ થઈ હતી અને બન્ને પાંચ વર્ષથી એકબીજાને ઓળખતા હતાં. ફોટોગ્રાફર સાથે તેઓ લગ્ન પહેલા ફોટોશૂટ માટે મડુકુથોરેમાં મલ્લિકાર્જુન મંદિર પણ ગયા હતાં. જયારે ફોટો પડાવવા દરમિયાન હોડીમાં રહેલી ૨૦ વર્ષની યુવતીનું સંતુલન બગડ્યું હતું અને તે પાણીમાં પડી ગઈ હતી. જે પછી તેને બચાવવા માટે યુવક પણ પાણીમાં પડ્યો હતો.

પોલીસે જણાવ્યું હતું કે પ્રત્યક્ષદર્શીઓના કહેવા અનુસાર શશિકલાએ હાઈ હીલ્સના સેન્ડલ પહેર્યા હતાં. જેને કારણે હોડીમાંથી તેનું સંતુલન બગડી ગયું હતું. આ દરમિયાન માછીમારોએ પોલીસને જાણ કરી હતી અને પોલીસ એકસપર્ટ સ્વીમર સાથે દ્યટનાસ્થળે પહોંચી હતી અને બન્નેના મૃતદેહ બહાર કાઢ્યા હતાં. ૨૮ વર્ષનો ચંદુ સિવિલ કોન્ટ્રાકટર હતો અને પાંચ વર્ષથી શશિકલાને ઓળખતો હતો. આ દુર્ઘટનાથી પરિવાર આક્રંદમાં છે અને દરેક સભ્ય શોકમાં ગરકાવ છે.

(10:12 am IST)