Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

કોંગ્રેસ સાંસદ શશિ થરૂરને ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કરાશે

શશિ થરૂરને ફ્રાંસના શેવેલિયર ડી લા લીજન ડી'ઓનરથી સન્માનિત કરવામાં આવશે : આગેવાનોએ થરૂરને અભિનંદન પાઠવ્યા, થરૂરે બધાનો આભાર માન્યો

નવી દિલ્લી તા.12 : કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ શશિ થરૂરને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ, શશિ થરૂરને ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર શેવેલિયર ડી લા લીજન ડી'ઓનરથી સન્માનિત કરવામાં આવશે. જેને લઈ હવે પાર્ટીના અનેક નેતાઓએ તેમને આ પ્રતિષ્ઠિત સન્માન માટે અભિનંદન પાઠવ્યા છે. ફ્રાન્સની સરકાર તેમના લખાણો અને ભાષણો માટે તેમનું સન્માન કરવા જઈ રહી છે. દિલ્હીમાં ફ્રાન્સના રાજદૂત ઈમેન્યુઅલ લેનિને થરૂરને પત્ર લખીને આ સન્માનની જાણકારી આપી છે.

કોંગ્રેસના ઘણા નેતાઓ તેમજ કોંગ્રેસના કેરળ એકમ અને રાજ્યના યુથ કોંગ્રેસ યુનિટે પણ તિરુવનંતપુરમના સાંસદ થરૂરને અભિનંદન પાઠવ્યા હતા. લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું, "હું એ સાંભળીને અત્યંત ઉત્સાહિત છું કે થરૂરને તેમની અસાધારણ વિદ્વતા અને જ્ઞાન માટે ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજવામાં આવી રહ્યા છે. ટ્વિટર પર ચૌધરીને જવાબ આપતા થરૂરે કહ્યું, "તમારો ખૂબ ખૂબ આભાર @adhirinc, આદર હંમેશા આવકાર્ય છે, અને તમારી પ્રશંસા તેને વધુ મૂલ્યવાન બનાવે છે." કોંગ્રેસના નેતાઓ ટીએસ સિંહદેવ, પ્રદ્યુત બોરદોલોઈ, મોહમ્મદ જાવેદ, પ્રવીણ ચક્રવર્તી અને ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ એમકે મુનીરે પણ થરૂરને અભિનંદન પાઠવ્યા હતા.

આ તરફ શશિ થરૂરે કહ્યું હતું કે, ફ્રાંસ સાથેના અમારા સંબંધોને સંબંધોને વળગી રહેનાર, ભાષાને પ્રેમ કરનાર અને સંસ્કૃતિની પ્રશંસા કરનાર તરીકે ઓળખાવા બદલ હું સન્માનિત છું. જેઓ માનતા હતા કે, હું આ સન્માનને લાયક છું તેમના પ્રત્યે મારી કૃતજ્ઞતા અને પ્રશંસા.

(12:38 am IST)