Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

દિલ્‍હીમાં ફરી ‘માસ્‍ક યુગ' : ન પહેરવા પર થશે ૫૦૦ રૂપિયાનો દંડ

બુધવારે રાજધાનીમાં કોરોના સંક્રમણના ૨,૧૪૬ કેસ નોંધાયા હતા

નવી દિલ્‍હી તા. ૧૧ : દિલ્‍હીમાં કોરોનાના સતત વધી રહેલા કેસને જોતા દિલ્‍હી સરકારે રાજયમાં જાહેર સ્‍થળોએ માસ્‍ક પહેરવાનું ફરજિયાત બનાવ્‍યું છે. હવે જાહેર સ્‍થળોએ માસ્‍ક ન પહેરવા પર ૫૦૦ રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે. ખાનગી કારમાં મુસાફરી કરતી વખતે આ નિયમ લાગુ થશે નહીં.

ગઇકાલે રાજધાનીમાં કોરોના સંક્રમણના ૨,૧૪૬ કેસ નોંધાયા હતા. આ સાથે જ સંક્રમણને કારણે આઠ દર્દીઓનાં મોત પણ થયા છે. રાજધાનીમાં સંક્રમણનો દર વધીને ૧૭.૮૩ થઈ ગયો છે. તે જ સમયે, સક્રિય દર્દીઓની સંખ્‍યા વધીને ૮૨૦૫ થઈ ગઈ છે. બીજી તરફ, દિલ્‍હીમાં ઝડપથી ફેલાતા કોરોના પાછળ ઓમિક્રોનનું નવું સબ-વેરિઅન્‍ટ BA 2.75 છે.

લોક નાયક હોસ્‍પિટલના મેડિકલ ડિરેક્‍ટર ડો. સુરેશ કુમારે એક મીડિયા હાઉસેને જણાવ્‍યું હતું કે ઓમિક્રોનનું નવું સબ-વેરિઅન્‍ટ લોકોને ઝડપથી સંક્રમિત કરી રહ્યું છે. આ પેટા વેરિઅન્‍ટ કોરોના રસી મેળવનાર લોકોને પણ ચેપ લગાવી શકે છે. જો કે આ મામલે હજુ વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.

ડો. સુરેશે જણાવ્‍યું કે, કોરોનાના કેસમાં ઘટાડાની સાથે લોકોએ કોવિડ પ્રોટોકોલને અનુસરવાનું ઓછું કર્યું છે. તે ન થવું જોઈએ. તેમણે કહ્યું કે કેસ વધી રહ્યા છે, પરંતુ તેમાં ઓછા ગંભીર લક્ષણો છે. ડાયાબિટીસ, હાર્ટ, ટીબી જેવી ગંભીર બીમારીઓથી પીડિત લોકોને ઘણું જોખમ છે. તેમણે કહ્યું કે કોરોના હજી પૂરો થયો નથી, જે લોકો ત્રણ મહિના પહેલાં સંક્રમિત થયા હતા તેઓ ફરી કોવિડ સંક્રમિત થઈ રહ્યા છે.

(4:43 pm IST)