Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

ટોચના ઉદ્યોગપતિ રતન ટાટાને 84 વર્ષની વયે મુંબઈની HSNC યુનિવર્સિટીએ ડોક્ટરેટની પદવીથી સન્માનિત કર્યા

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી અને HSNC યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડો.નિરંજન હીરાનંદાની ઉપસ્થિત રહ્યા

મુંબઈ : દેશના સૌથી મોટા ઉદ્યોગપતિમાંથી એક રતન ટાટાને 84 વર્ષની ઉંમરમાં મુંબઈની HSNC યુનિવર્સિટીએ ડોક્ટરેટની પદવીથી સન્માનિત કર્યા.. આ પ્રસંગે તેમની સાથે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી અને HSNC યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડો.નિરંજન હીરાનંદાની ઉપસ્થિત રહ્યા.. આ યુનિવર્સિટીનો પ્રથમ દીક્ષાંત સમારોહ હતો.. જ્યાં રતન ટાટાને તેમના દ્વારા કરવામાં આવેલા કાર્યો બદલ સન્માનિત કરતા આ ડિગ્રી આપવામાં આવી.. આ કોઈ પહેલો પ્રસંગ નથી કે રતન ટાટાને કોઈ સંસ્થા અથવા યુનિવર્સિટીએ ડિગ્રી આપીને સન્માનિત કર્યા હોય.. આ પહેલા પણ અનેક સંસ્થાઓ રતન ટાટાને સન્માનિત કરી ચુકી છે

અત્યારે દેશમાં ઘણા ઉદ્યોગપતિઓના નામ ચર્ચામાં રહે છે પરંતુ રતન ટાટાનું નામ આવતાની સાથે જ બધા તેમની સામે ખૂબ જ સન્માનની નજરે જુએ છે. રતન ટાટાએ પોતાની મહેનતના દમ પર ટાટા ગ્રુપને નવી ઊંચાઈઓ પર લઈ ગયા છે. રતન ટાટાએ 1991 થી 2012 સુધી ટાટા ગ્રુપના ચેરમેન તરીકે સેવા આપી છે. ડિસેમ્બર 2012માં તેમણે ટાટા ગ્રુપના ચેરમેન પદેથી રાજીનામું આપ્યું હતું જોકે, તેઓ હજુ પણ ટાટા ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન છે. તમને જણાવી દઈએ કે ટાટા સન્સમાં સોયથી લઈને હવાઈ જહાજ સુધી 100 થી વધુ કંપનીઓ કામ કરે છે.

રતન ટાટાએ એક સેમિનાર દરમિયાન જણાવ્યું હતું કે બાળપણમાં તેમને આર્કિટેક્ટ બનવાની ઈચ્છા હતી પરંતુ તેમના પિતા નવલ ટાટાનું માન રાખવા માટે એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો. રતન ટાટાનો જન્મ 28 ડિસેમ્બર 1937ના રોજ મુંબઈમાં થયો હતો.

(1:04 am IST)