Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

ઉટેલિયા સ્ટેટના યુવરાજ, કોંગ્રેસ મહિલા મોરચાના લતાબેન ભાટિયા અને શિક્ષણવિદ હિમાંશુ ઠક્કર આપમાં જોડાયા

ઇસુદાનભાઈ ગઢવી અને ગોપાલભાઈ ઈટાલિયાએ યુવરાજ ભગીરથસિંહ વાઘેલા, હિમાંશુ ઠક્કર અને લતાબેન ભાટિયાનું ટોપી અને ખેસ પહેરાવીને આમ આદમી પાર્ટી માં સ્વાગત કર્યું

આમ આદમી પાર્ટી ના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, આજે ખૂબ જ મહત્વપૂર્ણ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આજે હું આનંદ સાથે કહી રહ્યો છું કે જ્યારે દેશ આઝાદ થયો ત્યારે એક ભારત બનાવવા માટે હજારો રાજાઓએ પોતાના રાજ્યનું બલિદાન આપ્યું અને આ રાજાઓ એ એક ભારત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી. આજે એવા જ એક રાજવી પરિવારના યુવરાજ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ઉટેલિયા સ્ટેટના યુવરાજ ભગીરથસિંહ વાઘેલા આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. હું સમગ્ર આમ આદમી પાર્ટી પરિવાર વતી તેમનું સ્વાગત કરું છું.

તેમની સાથે જ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના રાષ્ટ્રીય મહિલા મોરચા મંત્રી લતાબેન ભાટિયા આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે, હું તેમનું સ્વાગત કરું છું. આજે જાણીતા શિક્ષણ વિદ, લોહાણા મહાજન સેવા સમાજ ના ભૂતપૂર્વ વડા અને કારકિર્દી માર્ગદર્શક હિમાંશુ ઠક્કર આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. હું હિમાંશુ ભાઈને પણ આવકારું છું. ત્યારબાદ ઇસુદાનભાઈ ગઢવી અને ગોપાલભાઈ ઈટાલિયા એ યુવરાજ ભગીરથસિંહ વાઘેલા, હિમાંશુ ઠક્કર અને લતાબેન ભાટિયાનું ટોપી અને ખેસ પહેરાવીને આમ આદમી પાર્ટી માં સ્વાગત કર્યું.

ઉટેલિયા સ્ટેટના યુવરાજ ભગીરથસિંહ વાઘેલાએ કહ્યું કે, આ વર્ષે આપણે આઝાદી ના 75મા વર્ષની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ. દેશની આઝાદી માટે બલિદાન આપનાર તમામ સ્વતંત્રતા સૈનિકોને હું નમન કરું છું. આ સાથે હું સરદાર પટેલ અને 565 રજવાડાઓને પણ નમન કરું છું. હું ખેડૂતનો દીકરો છું અને ગામડામાંથી આવું છું. અમારી પાસે માત્ર બે-ત્રણ મુદ્દા જે છે, આમાં સૌથી મહત્ત્વમાં સારા શિક્ષણ, સારી સ્વાસ્થ્ય સેવાઓ અને ગામડાંમાં સારી ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર છે. ગામમાં પીવાનું શુદ્ધ પાણી, સિંચાઈનું પાણી, સારા રસ્તા જોઈએ.

શિક્ષણવિદ હિમાંશુ ઠક્કરે મીડિયાને કહ્યું કે મેં મુંબઈની પ્રખ્યાત નરસી મોહનજી ઈન્સ્ટિટ્યૂટમાંથી ડિપ્લોમા કર્યું છે અને નિરમા યુનિવર્સિટીમાંથી એમસીએ કર્યું છે, આ સિવાય મેં ઘણી જગ્યાએથી શિક્ષણ લીધું છે. લાંબા સમયથી હું શિક્ષણ સાથે જોડાયેલા મુદ્દા ઓ પર લોકો સાથે જોડાયેલો છું. તેથી ઘણા સમયથી લોકો મને કહેતા હતા કે મારે રાજકારણમાં જોડાવું જોઈએ. લાંબા સમય સુધી અભ્યાસ કર્યા પછી, મેં એ જોયું કે આમ આદમી પાર્ટી જ છે જે લોકોને તેમની ક્ષમતા અનુસાર કામ કરવાની તક આપે છે.

લતાબેન ભાટિયાએ આમ આદમી પાર્ટી સાથેની નવી શરૂઆત વિશે ટિપ્પણી કરતા કહ્યું કે, મને બહુ ગર્વ છે કે હું આમ આદમી પાર્ટીમાં જોડાઈ, આમ આદમી પાર્ટી એકમાત્ર પાર્ટી છે જે ઈમાનદારીથી જનસેવાનું કાર્ય કરે છે. હું ખુશ છું કે અરવિંદ કેજરીવાલે અમને તેમની પાર્ટીમાં રહીને જનસેવા કરવાનો અવસર આપ્યો છે.

(12:17 am IST)