Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

મુર્શિદાબાદના રેઝીનગરમાં તંગદિલી :પ્રદર્શનકારીઓએ કર્યો ભારે પથ્થરમારો: પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા

વિરોધ રેલીનું આયોજન કરી રહેલા ભીડને હટાવવાનો પ્રયાસ કરતા તણાવ : ભીડને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના શેલ છોડતાં પરિસ્થિતિ વણસી

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદના રેઝીનગરમાં જ્યારે પોલીસે મોહમ્મદ પયગંબરના મુદ્દા પર વિરોધ રેલીનું આયોજન કરી રહેલા ભીડને હટાવવાનો પ્રયાસ કર્યો ત્યારે તણાવ ભભૂકી ઉઠ્યો હતો. પોલીસે ભીડને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના શેલ છોડતાં પરિસ્થિતિ વણસી હતી. જવાબમાં દેખાવકારોએ પોલીસ દળ પર પથ્થરમારો કર્યો, પોલીસ પર કથિત રીતે બોમ્બ પણ ફેંકવામાં આવ્યા હતા. અત્યાર સુધી બેલડાંગા અને રેઝીનગર વચ્ચેના રાષ્ટ્રીય ધોરીમાર્ગ 34 પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ છે. બીજી તરફ બંગાળના ગવર્નરે શાંતિ જાળવવાનો સંદેશો જાહેર કર્યો છે અને રાજ્ય પ્રશાસનને પણ કાયદો અને વ્યવસ્થા જાળવવા જણાવ્યું છે.

પશ્ચિમ બંગાળ સરકારે શનિવારે હાવડામાં હિંસા પછી ખોટી માહિતીના ફેલાવાને રોકવા માટે મુર્શિદાબાદ જિલ્લાના કેટલાક ભાગોમાં 14 જૂન સુધી ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે બેલડાંગા પોલીસ સ્ટેશન વિસ્તારના બેલડાંગા 1 બ્લોક અને રેજીનગર અને શક્તિપુર પોલીસ સ્ટેશન વિસ્તારોને આવરી લેતા બેલડાંગા 2 બ્લોકમાં ઈન્ટરનેટ સેવાઓ 14 જૂનના રોજ સવારે 6 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. સમગ્ર હાવડા જિલ્લામાં ઈન્ટરનેટ સેવાઓ 13 જૂન સુધી સ્થગિત કરી દેવામાં આવી છે અને 15 જૂન સુધી ઉલુબેરિયા, ડોમજુર અને પંચાલા જેવા કેટલાક વિસ્તારોમાં ફોજદારી પ્રક્રિયા સંહિતાની કલમ 144 લાગુ કરવામાં આવી છે.

(10:56 pm IST)