Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

કાલે રવિ પ્રદોષ સાથે વટસાવિત્રી વ્રતની શરૂઆત

સૌભાગ્‍યવતીઓ મંગળવારે પતિના લાંબા આયુષ્‍યની કામના સાથે વટસાવિત્રી વ્રતની ઉજવણી કરશે : રવિવારે વહેલી સવારે પ્રદોષ વ્રત આરંભ : ભગવાન શંકરની આરાધનાનું અનેરૂ મહત્‍વ

નવી દિલ્‍હી તા. ૧૧ : હિન્‍દુ સમુદાયમાં ભારે મહાત્‍મય ધરાવતા બે પર્વ પ્રદોષ વત અને વટસાવિત્રી વ્રતની ઉજવણીને લઇને શ્રદ્ધાળુઓમાં સળવળાટ જોવા મળ્‍યો છે. રવિવારે પ્રદોષ સાથે વટસાવિત્રી વ્રતની શરૂઆત થશે. જયારે મંગળવારે વટસાવિત્રી વ્રતની ઉજવણી કરાશે. દરમિયાન સૌભાગ્‍યવતીઓ પતિના લાંબા આયુષ્‍યની કામના સાથે વટસાવિત્રી વ્રત કરશે. બીજીબાજુએ રવિવારે વ્‍હેલી સવારે પ્રદોષ વ્રત આરંભ થશે, જેમાં ભોલેનાથની આરાધના ફળદાયી માનવામાં આવે છે.

હિન્‍દુ શાષાો પ્રમાણે દર વર્ષે જેઠ સુદ પૂનમના રોજ વટસાવિત્રી વ્રતની ઉજવણી થાય છે. તે પૂર્વે આ વર્ષે રવિવારે પ્રદોષ વ્રત સાથે જ ત્રણ દિવસીય વટસાવિત્રી વ્રત પણ શરૂ થશે. આચાર્ય ભાવિનભાઇ પંડયાના જણાવ્‍યા મુજબ રવિવારે ૧૨ જૂને વહેલી સવારે ૩.૨૪ વાગ્‍યે પ્રદોષ વ્રતનો આરંભ થશે. પ્રદોષ વ્રત અને પ્રદોષમ વ્રત એક પ્રખ્‍યાત હિન્‍દુ ઉપવાસ છે. જે ભગવાન શિવના આશિર્વાદ મેળવવા માટે કરવામાં આવે છે. પ્રદોષ વ્રત દર મહિને બે વાર કૃષ્‍ણ અને શુકલ પક્ષમાં આવે છે. આ વ્રત બન્‍ને પક્ષે ત્રયોદશીના દિવસે ઉજવવામાં આવે છે. જો પ્રદોષ વ્રત સોમવારના દિવસે પડે તો સોમ પ્રદોષમ, મંગળવારે આવે તો ભૂમ પ્રદોષમ અને શનિવારે આવે તો શનિ પ્રદોષમ કહેવાય છે. આ વ્રત સૂર્યાસ્‍તના સમય પર નિર્ભર કરે છે. પ્રદોષ વ્રતમાં ભગવાન શિવની પૂજા સૂર્યાસ્‍તના લગભગ ૪૫ મિનિટ પહેલા અને સૂર્યાસ્‍ત પછી ૪પ મિનિટ પછી સાંજે કરવામાં આવે છે.

ઉપરાંત, હિન્‍દુ સમુદાયમાં વટસાવિત્રી વ્રતનું પણ ભારે મહત્‍વ છે. વટસાવિત્રીનું વ્રત તેરસ, ચૌદશ અને પૂનમ એમ ત્રણ દિવસ કરવામાં આવે છે. આ વર્ષે વ્રતની ઉજવણી ૧૪ જૂનના રોજ કરાશે. આ વ્રત સૌભાગ્‍યવતીસ્ત્રીઓ દ્વારા પોતાના પતિના લાંબા આયુષ્‍યની કામના માટે ફક્‍ત એક ફળ આરોગીને આખો દિવસ ઉપવાસ કરવામાં આવે છે.

આ વ્રત કુંવારી કન્‍યાઓ પણ ભાવિ પતિ સારો મળે એવી કામના સાથે કરે છે. વટસાવિત્રીના વ્રતમાં વટવૃક્ષનું પૂજન વિશેષ માનવામાં આવે છે. ભગવાન વિષ્‍ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી અખંડ સૌભાગ્‍યવતીના આશિર્વાદ પ્રાપ્ત થાય છે. તે સાથે જ બ્રહ્મા, વિષ્‍ણુ અને મહેશ એમ ત્રણેય દેવોના આશિર્વાદ પ્રાપ્ત થાય છે. વટવૃક્ષનું પૂજન બાદ કાચા સૂતરના દોરા સાથે પ્રદક્ષિણા કરવામાં આવે છે. બ્રાહ્મણ દ્વારા વટસાવિત્રીની કથાનું શ્રવણ કરાવવામાં આવે છે. રાત્રિના સમયે સૌભાગ્‍યવતીઓ ભેગા મળીને જાગરણ અને બીજા દિવસે પારણા કરે છે.

(3:21 pm IST)