Gujarati News

Gujarati News

News of Sunday, 11th April 2021

મહામંડલેશ્વરની વિદાયથી ભક્તોમાં શોકની લાગણી

સરખેજ આશ્રમમાં અંતિમ દર્શન, જુનાગઢમાં સમાધી : મહિના પહેલા શિવરાત્રી પર રાત્રીના નાગા બાવાની રવેળીમાં દર્શન આપ્યા હતા, તેમનો જન્મદિવસ સરખેજમાં ઉજવાશે

અમદાવાદ,તા.૧૧ : રાજ્યના વરિષ્ઠ સંત ભારતી આશ્રમના મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીજી મહારાજ મધ્યરાતે ૨:૩૦ કલાકે નાદુરસ્ત તબિયત હોવાને કારણે બ્રહ્મલીન થયા છે. સવારે ૮:૩૦થી ૯:૩૦ એટલે કે એક કલાક સુધી ભક્તોને સરખેજના ભારતી આશ્રમમાં તેમના અંતિમ દર્શનનો લાભ મળશે. ત્યારબાદ તેમના નશ્વરદેહને જુનાગઢના ભારતી આશ્રમ ખાતે લઈ જવાશે. જ્યાં તેમને સમાધિ આપવામાં આવશે. સરખેજ ભારતી આશ્રમ તેમજ જુનાગઢ ભવનાથ ભારતી આશ્રમના મહામંડલેશ્વર ભારતીબાપુ ૯૩ વર્ષની વયે ગઈકાલ મોડી રાત્રે ૨: ૩૦ કલાકે બ્રહ્મલીન થયા છે.મહામંડલેશ્વર ભારતીબાપુ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે નિકટનો સંબંધ ધરાવતા હતા. તેમજ સમગ્ર ભારતના સાધુ સમાજમાં પણ તેમનુ ખુબ જ નામ હતું. ભવનાથ તમામ સાધુ સમાજના અખાડામાં પણ તેઓ પૂજનીય સંત તરીકે પૂજાતા હતા. છેલ્લે ૧ મહિના પહેલા મહાશિવરાત્રી પર્વ ઉપર રાત્રિના નાગા બાવાની રવેળીમાં દર્શન આપ્યા હતા. તેમનો જન્મદિવસ સરખેજ ખાતે ઉજવવામાં આવ્યો હતો. ભારતીબાપુનો જન્મ અમદાવાદના ધોળકા તાલુકાના અરણેજ ગામમાં થયો હતો.

        ૪ જાન્યુઆરી ૧૯૬૫ના દિવસે તેમની દિગંબર દીક્ષા કરાઈ હતી. ત્યારબાદ ૨૧ મે ૧૯૭૧ના રોજ અમદાવાદ ખાતે ભારતી આશ્રમની સ્થાપના કરી હતી તેમજ ૧૯૯૨માં મહામંડલેશ્વર બન્યા હતા. ભારતીબાપુએ પુરષોત્તમ લાલજી મહારાજના વ્યસન મુક્તિના સંદેશ સાથે સમગ્ર સૌરાષ્ટ્રમાં કામ કર્યું. ભારતીબાપુ શ્રી પંચ દશનામ જૂના અખાડાના અંતરરાષ્ટ્રીય અધ્યક્ષ હતા. ભારતીબાપુ સરખેજમાં આવેલા ભારતી આશ્રમમાં આર્યુવેદ દવાઓનું ઔષધાલય ચલાવતા હતા. અહીં દર્દીઓને મફતમાં સારવાર તેઅમ્જ દવાઓ પણ આપવામાં આવતી હતી. ભારતી આશ્રમ સ્વયસંચાલીત ગુરુકુળ પણ ધરાવે છે જેમાં વિદ્યાર્થીઓને વિના મૂલ્યે ઉચ્ચશિક્ષણ આપવામાં મદદરૂમ બને છે. ભારતી આશ્રમમાં તમામ તહેવારો ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. શ્રી મહંત હરિહરા નંદ બાપુ હવે ભારતી બાપુના નવા વારસદાર બનશે. તેઓ આશ્રમના નવા મહંત બનશે. ભારતી બાપુના ગુજરાતમાં ૫ આશ્રમ આવેલા છે, જેમાં અમરેલી ભાટ વાક્ય, નર્મદા, સનાતન લબેનારાયણ ભારતીય, સરખેજ અને જૂનાગઢ આશ્રમ. જેમાંથી જુનાગઢના આશ્રમમાં બાપુને સમાધિ આપવામાં આવશે. હાલ બાપુના પાર્થિવ દેહને સરખેજ આશ્રમથી જુનાગઢ એમ્બ્યુલન્સમાં લઇ જવાની તૈયારીઓ શરૂ કરાઈ છે.

(8:22 pm IST)