Gujarati News

Gujarati News

News of Sunday, 11th April 2021

તમિલનાડુમાં ૩ કરોડ મેળવવા માટે પત્નીએ પતિની હત્યા કરી

કાર પેટ્રોલ નાંખીને સળગાવી દીધી : પેરુંદરાયમાં રહેતા રંગરાજનને તેમની પત્નીએ માત્ર વીમાના પૈસા મેળવવા માટે કારમાં સળગાવીને મારી નાંખ્યો

નવી દિલ્હી,તા.૧૧ : તમિલનાડુના ઇરોડ જિલ્લાના પતિ-પત્નીના સંબંધોને કલંકિત કરતી ઘટના પ્રકાશમાં આવી છે. ત્રણ કરોડ રૂપિયાનો વીમો પકવવા માટે પત્નીએ તેના પિતરાઇ ભાઈ સાથે મળીને પતિની હત્યા કરી નાંખી અને તેને અકસ્માતમાં ખપાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ઇરોડ જિલ્લાના પેરુંદરાયમાં રહેતા ૬૨ વર્ષના રંગરાજનને તેમની પત્નીએ માત્ર વીમાના પૈસા મેળવવા માટે કારમાં સળગાવીને મારી નાંખ્યો.

        આ કામમાં તેના પિતરાઇ ભાઇ દ્વારા તેને મદદ કરવામાં આવી હતી. રંગરાજન પાવર લૂમ અને રીઅલ એસ્ટેટનો ધંધો કરતો હતો. તે ગયા મહિને અકસ્માતમાં ઘાયલ થયો હતો અને કોઈમ્બતુરની ખાનગી હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હતો. એક દિવસ તેની ૫૫ વર્ષની પત્ની જ્યોતિ મણિ અને તેનો ૪૧ વર્ષનો પિતરાઇ ભાઇ હૉસ્પિટલમાંથી રજા આપીને ઓમની વાનમાં ઘરે લાવી રહ્યા હતા. બંને સાથે મળી રસ્તામાં જ રંગરાજનની હત્યાનું ષડયંત્ર રચ્યું હતું. બંનેએ લોકોને કહ્યું કે, જ્યારે તેઓ પેરુમાનલુર નજીક પહોંચ્યા ત્યારે કારમાં આગ લાગી હતી. આગ બાદ બંને કારમાંથી બહાર નીકળ્યા અને પોતાનો જીવ બચાવી લીધો પરંતુ તેઓ રંગરાજનને બહાર કાઢી શક્યા નહીં. પોલીસે જ્યારે આ ઘટનાની તપાસ કરી ત્યારે રંગરાજનની પત્ની અને તેના પિતરાઇ ભાઇ રાજાના નિવેદનો અલગ અલગ જણાયા હતા.

       આનાથી તે બંને પર શંકા વધી ગઈ હતી અને જ્યારે સખ્તાઇથી પૂછપરછ કરવામાં આવી ત્યારે તેઓએ ચોંકાવનારા તથ્યો જાહેર કર્યા હતા. પત્નીએ જણાવ્યું હતું કે, તેના પતિ રંગરાજનનો અકસ્માતનો વીમો રૂ .૩ કરોડનો હતો અને તેની પર ૧ કરોડનું દેવું હતું. ઉધાર આપનારાઓ સતત પૈસા આપવા માટે તેમના પર દબાણ કરી રહ્યા છે. મહિલાએ કહ્યું કે, તેના પતિએ તેને વીમા હેઠળ નોમિની બનાવી હતી. જ્યોતિ મણિ અને રાજાએ કબૂલાત કરી હતી કે, રંગરાજનને તેમને કહ્યું હતું કે, તેઓએ તેમને મારી નાંખવો જોઈએ અને દેવાની ચૂકવણી માટે વીમાના નાણાંનો ઉપયોગ કરવો જોઈએ. ત્યારબાદ જ્યોતિ મણિ અને રાજાએ એક યોજના બનાવી રંગરાજન ઉપર પેટ્રોલ લગાવી વાહનને આગ ચાંપી દીધી હતી જેથી તે અકસ્માતમાં ખપાવી દેવામાં આવે અને તેઓને ૩ કરોડની વીમા રકમ મળી. પોલીસે હત્યાના ગુનામાં બંનેની ધરપકડ કરી છે. જ્યોતિ મણિ અને તેના પિતરાઈ રાજાને કોઈમ્બતુર સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યા છે.

(8:14 pm IST)