Gujarati News

Gujarati News

News of Sunday, 11th April 2021

ભાજપનો યુટર્ન : કુલદીપ સેંગરની પત્નીની જિલ્લા :પંચાયતની ટિકિટને રદ કરી: વિપક્ષે કર્યા હતા પ્રહાર

સંગીતા સેંગરને ભાજપે ઉન્નાવથી ટિકિટ આપી હતી :સંગીતા સેંગર હાલ જીલ્લા પંચાયત અધ્યક્ષ છે.

યૂપીમાં પંચાયત ચૂંટણીને લઇ રાજકારણ ગરમાયું છે. રાજકારણ વધુ તિવ્ર ત્યારે થયું, જ્યારે ભાજપે રેપ કેસમાં દોષી ઠરેલા ઉન્નાવના પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરની પત્નીને જિલ્લા પંચાયત ચૂંટણીની ટિકિટ આપી. તેને લઇ વિપક્ષે ભાજપ પર પ્રહાર કર્યા. આ વચ્ચે આજે (રવિવાર) ભાજપે કુલદીપ સેંગરની પત્નીની ટિકિટને રદ કરી હતી.

યૂપી ભાજપના અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહે જણાવ્યું કે પાર્ટીએ કુલદીપ સેંગરની પત્ની સંગીતા સેંગરની ટિકિટ રદ કરી છે. નોંધનીય છે કે તાજેતરમાં જ પંચાયત ચૂંટણીમાં સંગીતા સેંગરને ભાજપે ઉન્નાવથી ટિકિટ આપી હતી. સંગીતા સેંગર હાલ જીલ્લા પંચાયત અધ્યક્ષ છે. તેઓ 2016માં અપક્ષ અધ્યક્ષ બન્યા હતા.

 

  અત્રે ઉલ્લેખનીય છે કે કુલદીપ સેંગર બાંગરમઊથી ભાજપની ટિકિટ પર ચાર વખત ધારાસભ્ય રહી ચુક્યા છે. વર્ષ 2017માં ઉન્નાવ ચર્ચિત રેપ કેસમાં કુલદીપસિંહ સેંગરની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેને ઓગસ્ટ 2019માં ભાજપે પાર્ટીમાંથી હાંકી કાઢ્યો હતો. અને પછી વિધાનસભાનું સભ્યપદ પણ સમાપ્ત કરી દેવામાં આવ્યું હતું.

(5:19 pm IST)