Gujarati News

Gujarati News

News of Sunday, 11th April 2021

જમ્‍મુ કાશ્‍મીરના શોપિયામાં સુરક્ષાદળો આતંકીઓ પર તૂટી પડ્યા : ૩ના મોતને ઘાટ ઉતાર્યા : અનંતનાગ જિલ્‍લામાં પણ આતંકીના આગમનના અણસાર મળતા સુરક્ષા દળો એલર્ટ

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના શોપિયામાં સુરક્ષાદળો સાથે અથડામણમાં ત્રણ આતંકીઓ માર્યા ગયા છે. શોપિયા જિલ્લામાં સુરક્ષાદળો સાથે અથડામણમાં શનિવારે એક અજાણ્યો આતંકી માર્યો ગયો. સતત ચાલી રહેલા ઓપરેશન બાદ વધુ બે આતંકીઓ ઠાર થયા. પોલીસે પણ ત્રણ આતંકીઓના ખાતમાની પુષ્ટિ કરી છે. અત્રે જણાવવાનું કે આ બધા વચ્ચે અનંતનાગ જિલ્લામાં પણ આતંકીઓની હાજરીની ખબર મળતા અથડામણ ચાલુ થઈ.

સ્શાનિક પોલીસના જણાવ્યાં મુજબ દક્ષિણ કાશ્મીરના શોપિયા સ્થિત હાદીપુરામાં આતંકીઓની હાજરીની સૂચના મળતા સુરક્ષાદળોએ ઘેરબંધી કરી અને સર્ચ અભિયાન ચલાવ્યું. આ દરમિયાન આતંકીઓ તેમના પર ફાયરિંગ કરવા લાગ્યા. સુરક્ષાદળોએ પણ જવાબી કાર્યવાહી કરી.

કાશ્મીરના આઈજીપીએ કહ્યું કે પોલીસ અને સુરક્ષાદળો હાલમાં જ આતંકી સંગઠનમાં ભરતી થયેલા યુવાઓના સરન્ડર પર ભાર મૂકી રહ્યા છે. આતંકીના રસ્તે નીકળી પડેલા આ યુવાઓના પરિજનો પણ પોતાના બાળકોને સરન્ડરની અપીલ કરી રહ્યા છે. પરંતુ જૂના આતંકી તેમને આમ કરતા રોકી રહ્યા છે.

તેમણે જણાવ્યું કે આતંકીઓની ઓળખ કરવાની કોશિશ થઈ રહી છે. તેમના સંગઠનની પણ માહિતી મેળવવામાં આવી રહી છે. અધિકારીએ જણાવ્યું કે આ બધા વચ્ચે અનંતનાગ જિલ્લામાં પણ અથડામણ શરૂ થઈ ગઈ. તેમણે જણાવ્યું કે દક્ષિણ કાશ્મીરના આ જિલ્લાના બિજબેહરા વિસ્તારમાં સેમથાનમાં આતંકીઓની હાજરીની ગુપ્ત બાતમી મળી અને ત્યારબાદ સુરક્ષાદળોએ ઘેરાબંધી કરીને સર્ચ અભિયાન ચલાવ્યું. ત્યારબાદ બંને પક્ષો વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ. આ અંગે જો કે હજુ વિસ્તૃત માહિતી આવી નથી.

(12:33 pm IST)