Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

૪૫ ટકા વધુ ગ્રીન કાર્ડ જારી કરવા સંબંધિત બિલ રજૂ થયું

પાંચ લાખ ભારતીયોને સીધો ફાયદો થઇ શકે છે : અહેવાલમાં દાવો : ગ્રીનકાર્ડની રાહ જોઈ રહેલા ભારતીય પ્રોફેશનલોની આશા વધી : અમેરિકી સંસદમાં બિલ રજૂ કરાયું : કોંગ્રેસથી મંજુરી, ટ્રમ્પના હસ્તાક્ષર બાદ કાયદો

વોશિંગ્ટન,તા. ૧૧ : અમેરિકી સંસદમાં એક મહત્વપૂર્ણ બિલ રજૂ કરવામાં આવ્યું છે જેના કારણે ભારતીય પ્રોફેશનલ લોકોને લાભ થઇ શકે છે. હકીકતમાં આ બિલમાં મેરિટના આધાર પર ઇમિગ્રેશન સિસ્ટમ પર ભાર મુકીને વાર્ષિક આપવામાં આવનાર ગ્રીન કાર્ડને ૪૫ ટકા વધારવાની માંગ કરવામાં આવી છે. અમેરિકી પ્રતિનિધિ સભામાં રજૂ કરવામાં આવેલા આ બિલ ઉપર જો મંજુરીની મહોર લાગશે તો પાંચ લાખ ભારતીય લોકોને ફાયદો થઇ શકે છે. જે લોકો હાલમાં ગ્રીન કાર્ડ મેળવવા માટે રાહ જોઇ રહ્યા છે. ટ્રમ્પ વહીવટીતંત્રના સમર્થનવાળા આ બિલને સિક્યોરિંગ અમેરિકા ફ્યુચર એક્ટ નામ આપવામાં આવ્યું છે. કોંગ્રેસમાંથી પસાર થવા અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના હસ્તાક્ષર થયા બાદ તે કાનૂન બની જશે. આનાથી ડાયવર્ટસિટી વિઝા પ્રોગ્રામ ખતમ થઇ જશે અને એક વર્ષમાં કુલ ઇમિગ્રેશનનો આંકડો વર્તમાન ૧૦.૫ લાખથી ઘટીને ૨.૬૦ લાખ થઇ જશે. આ બિલમાં ગ્રીનકાર્ડ જારી કરવા માટેની વર્તમાન મર્યાદાને ૧.૨૦ લાખથી ૪૫ ટકા વધારીને વાર્ષિક ૧.૭૫ લાખ કરવાની માંગ કરવામાં આવી છે. ભારતીય. અમેરિકી પ્રોફેશનલો જે શરૂઆતમાં એચ-વનબી વિઝા ઉપર અમેરિકા આવે છે અને મોડેથી સ્થાયીરીતે રહેવા માટે કાયદાકીય દરજ્જો અથવા ગ્રીનકાર્ડ મેળવી લેવાના વિકલ્પ પસંદ કરે છે તેમને આનાથી લાભ થશે. એક અંદાજ મુજબ આશરે પાંચ લાખ ભારતીય લોકોને સીધો લાભ થઇ શકે છે. આ પાંચ લાખ ભારતીયો ગ્રીન કાર્ડ મેળવવા માટે રાહ જોઇ રહ્યા છે. પોતાના એચ-વનબી વિઝાને વાર્ષિકરીતે વધારી રહ્યા છે. ખાસ બાબત એ છે કે, આમાથી મોટી સંખ્યામાં એવા લોકો છે જે દશકોથી ગ્રીન કાર્ડ મેળવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. અત્રે નોંધનીય છે કે, એચ-વનબી પ્રોગ્રામ હેઠળ અમેરિકાના અસ્થાયી વિઝા મળે છે ત્યારબાદ કંપનીઓ કુશળ વિદેશી પ્રોફેશનલોને નોકરીની તક આપે છે. વાર્ષિક ગ્રીનકાર્ડની સંખ્યા વધવાથી સ્પષ્ટ થાય છે કે, અમેરિકામાં સ્થાયી રીતે રહેવા માટેની આશા રાખી રહેલા ભારતીય પ્રોફેશનલોની ઇન્તેજારની અવધિ ઘટી જશે. ગ્રીનકાર્ડ મળી ગયા બાદ વ્યક્તિને અમેરિકામાં સ્થાયીરીતે રહેવા અને કામ કરવાની મંજુરી મળી જશે. અમેરિકામાં હાલમાં ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા અમેરિકી લોકોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. અમેરિકી લોકોને કુશળતા સાથે નોકરીની તક મળી રહી છે. અમેરિકી તંત્ર અમેરિકી લોકોને સંરક્ષણવાદની નીતિ હેઠળ સૌથી પહેલા નોકરી આપે છે. સંરક્ષણવાદની આ નીતિને વિશ્વના દેશો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

મોટી સંખ્યામાં ભારતીયોને આ નીતિ હેઠળ સ્વદેશ પરત ફરવાની ફરજ પડી શકે છે. આવી સ્થિતિમાં અમેરિકી સંસદમાં રજૂ કરવામાં આવેલા આ બિલને ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. આના કારણે અમેરિકામાં રહેતા ભારતીય પ્રોફેશનલ લોકોને સીધો ફાયદો થઇ શકે છે. વિશ્વના દેશોમાં હાલમાં પોતાના દેશોના નાગરિકોને નોકરીમાં પ્રથમ પ્રાથમિકતા આપવાની રણનીતિ અપનાવવામાં આવી રહી છે ત્યારે અમેરિકી સંસદમાં ૪૫ ટકા વધારે ગ્રીનકાર્ડ જારી કરવા સાથે સંબંધિત બિલ રજૂ કરવામાં આવ્યા બાદ ભારતીય પ્રોફેશનલ લોકોને સીધીરીતે ફાયદો થશે

(7:43 pm IST)