Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

ઇંગ્લિશ પીવાના શોખીનો સાવધાન! તમારી ફેવરિટ વ્હીસ્કી નકલી હોઇ શકે છે

અમદાવાદમાંથી કૌભાંડ પકડાયુઃ બ્રાન્ડેડમાં ભરાતો'તો દેશી

મુંબઇ તા. ૧૧ : ઈંગ્લિશ એટલે કે ઈમ્પોર્ટેડ લિકર પીવાના શોખીનો માટે આઘાતજનક સમાચાર છે. બૂટલેગરો દેશી દારૂને મોંઘાદાટ IMFL તરીકે વેચવાની કવાયતમાં છે. મંગળવારે બે વ્યકિત આવો જ ગેરકાયદેસર દારુ સ્કોચ, વ્હીસ્કીની બોટલમાં ભરતા ઝડપાયા હતા. વાડજ પોલીસે દારુબંધીના કાયદા હેઠળ તેમની ધરપકડ કરી છે. આ ઉપરાંત ટ્રેડમાર્ક અને કોપીરાઈટ્સ એકટ અંતર્ગત પણ તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે ગેરકાયદેસર દારુ ભરેલી ૨૪૭ બ્રાન્ડેડ લિકરની બોટલો જપ્ત કરી હતી. જે બ્રાન્ડનો નકલી દારૂ ભરાઈ રહ્યો હતો તેમાં પાસપોર્ટ, ટીચર્સ, વેટ ૬૯, ૧૦૦ પાઈપર્સ, બ્લેક ડોગ, બ્લાક એન્ડ વ્હાઈટ તથા ટીચર્સ ૫૦ બ્લેન્ડેડનો સમાવેશ થાય છે.

 

નવા વાડજના જવાહર નગરમાં રહેતા સાનિધ્ય ફલોરાના રહેવાસીઓ બલવંતસિંહ રાજપૂત (૩૧ વર્ષ) અને શંકર તેલી (૨૭ વર્ષ)ની પોલીસે ધરપકડ કરી હતી. આ બેલડી IMFLની બોટલોને કેમિકલ એસેન્સનો ઉપયોગ કરી સસ્તા દારુથી ભરી રહી હતી. પોલીસને વ્હીસ્કીની ટોપ બ્રાન્ડની ૧૧૦ બોટલો તેના સ્ટીકર્સ અને લેબલ્સ સાથે મળી આવી હતી.

આ ઉપરાંત નકલી દારુથી ભરેલી ૨૪૭ બોટલ પણ મળી આવી હતી. પોલીસે ૧૬૦૦ રૂપિયાની કિંમતનો ચાર લિટર હલકી ગુણવત્તાનો દારૂ પણ ઝડપી પાડ્યો હતો. ઘટના સ્થળે રાસબરી, વેનિલા સ્પેશિયલ, લેમન અને એપલ જેવા કેમિકલ એસેન્સ મળી આવ્યા હતા. પોલીસે ૨.૨૪ લાખની કિંમતનો માલ ઝડપ્યો છે.

પોલીસ ઈન્સ્પેકટર જે. એ રાઠવાએ જણાવ્યું, 'આરોપી રાજસ્થાનથી હલકી ગુણવત્તાનું અને સસ્તુ IMFL બલ્કમાં મંગાવતો હતો. તેમાં તે કેમિકલ એસેન્સ મિકસ કરીને સસ્તા દારૂને સ્કોચ વ્હીસ્કીની મોંઘી બોટલોમાં તેના જેવી જ ફલેવર બનાવી ભરવામાં આવતા હતા. તે મશીનના ઉપયોગથી બોટલ સીલ કરીને તેના પર લેબલ ચોંટાડતા હતા. આ ડુપ્લિકેટ બોટલો ૨૫૦૦થી ૩૫૦૦માં વેચાતી હતી. અમે તેમના આખા નેટવર્ક અંગે તપાસ હાથ ધરી છે.'

(11:28 am IST)