Gujarati News

Gujarati News

News of Saturday, 10th December 2022

સેન્‍સેકસ કરતા સોનામાં વધારે વળતર ?

સેન્‍સેકસ પાંચ વર્ષમાં વધ્‍યો ૭૩ ટકા, ચાંદી ૬૯ ટકા : પાંચ વર્ષમાં સોનાના ભાવો ૭૮ ટકા વધ્‍યા

મુંબઇ, તા.૧૦: છેલ્લા પાંચ વર્ષો શેરબજારના રોકાણકારો માટે સારા રહ્યા છે. શેરના ભાવોમાં ૨૦૨૦ અને ૨૦૨૧ મોટો વધારો જોવા મળ્‍યો છે. આના લીધે શેરબજારમાં રોકાણકારોનો રસ વધ્‍યો છે અને રેકોર્ડ બ્રેક નવા ડીમેટ ખાતાઓ ખુલ્‍યા હતા.

 જો કે સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓમાં રોકાણ કરનાર પરંપરાગત રોકાણકારોને આનાથી પણ વધારે ફાયદો જોવા મળ્‍યો હતો. હાલના વધારા પછી સોના અને ચાંદી જેવી ધાતુઓમાં કરેલ રોકાણનું વળતર શેર બજાર કરતા આગળ નીકળી ગયુ છે.

સ્‍થાનિક બજારમાં સોનાના ભાવ પાંચ વર્ષમાં વાર્ષિક ૧૨.૬ ટકાના દરે વધ્‍યા છે તેની સરખામણીમાં સેન્‍સેકસ વાર્ષિક ૬.૭ ટકાના દરે વધ્‍યો છે. ઇન્‍ડિયા બુલીયન એન્‍ડ જવેલર્સ એસોસીએશન (આઇબીજેએ) અનુસાર, શુક્રવારે મુંબઇ બજારમાં ૨૪ કેરેટ સોનું ૫૩૯૧૪ પર બંધ રહ્યુ હતુ જે ૨૦૨૧ના ડીસેમ્‍બરના અંતમાં ૪૭૯૮૦ રૂપિયા પ્રતિ ગ્રામ હતુેં.

૨૦૨૧ના ડીસેમ્‍બરના અંતમાં સેન્‍સેકસ ૫૮૨૫૪ હતો જે ગુરૂવારે ૬૨૧૮૨ જોવા મળ્‍યો હતો. લાંબા ગાળા માટે પીળી ધાતુ શેર બજાર કરતા આગળ રહી છે. છેલ્લા પાંચ વર્ષમાં સોનાના ભાવો ૭૮ ટકા વધ્‍યા છે જયારે સેન્‍સેકસ ૭૩ ટકા વધ્‍યો છે. ચાંદી આ વર્ષે વળતરમાં સોના અને ઇકવીટી કરતા પાછળ છે.

વૈશ્‍વિક બજારોમાં પણ આ બંને કિંમતી ધાતુઓ શેરબજાર કરતા આગળ રહી છે. દાખલા તરીકે, અમેરીકામાં સોનુ આ વર્ષે ૧ ટકા જેટલું ઘટયુ છે, ચાંદીના ભાવો જેમના તેમ રહ્યા છે. જયારે બેંચમાર્ક ડાઉજોન્‍સ આ વર્ષે ૭ ટકા જેટલો ઘટયો છે.

(11:14 am IST)