Gujarati News

Gujarati News

News of Saturday, 10th December 2022

‘મેંડુસ' વાવાઝોડુ ત્રાટક્‍યું : તામિલનાડુમાં મચાવી તબાહી : વૃક્ષો ધરાશાયી : કાચા મકાનોની છત ઉડી

ભારે વરસાદ : શાળા - કોલેજોમાં રજા

ચેન્‍નાઇ તા. ૧૦ : બંગાળની ખાડી પર બનેલા ચક્રવાતી તોફાન મૈંડુસ હવે દક્ષિણના રાજયોમાં તેની અસર બતાવવાનું શરૂ કરી દીધું છે. ચક્રવાત મૈંડુસને કારણે આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને પુડુચેરી રાજયોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગે મૈંડુસ ચક્રવાતને લઈને પહેલેથી જ ચેતવણી જારી કરી દીધી હતી. વાવાઝોડુ રાત્રે ૨ વાગ્‍યે ત્રાટકતા વૃક્ષો તુટી ગયા છે, ઘરોની છતો ઉડી છે. શાળા-કોલેજો બંધ કરી દેવાઇ છે. ભારે વરસાદ પડી રહ્યો છે.

હવામાન વિભાગના જણાવ્‍યા અનુસાર ૧૧ ડિસેમ્‍બર સુધી પુડુચેરી, ઉત્તર તમિલનાડુ અને આંધ્રપ્રદેશના દરિયાકિનારા પ્રભાવિત રહેશે. આ દરમિયાન માછીમારોને દરિયામાં જતા અટકાવવામાં આવ્‍યા છે. ભારે પવન સાથે ભારે વરસાદને કારણે અનેક વિસ્‍તારોમાં જનજીવનને માઠી અસર પહોંચી છે. વાવાઝોડાથી પ્રભાવિત રાજયોની શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.

મૈંડુસ ચક્રવાત શુક્રવારે રાત્રે તમિલનાડુના દરિયાકાંઠાના વિસ્‍તારોમાં ત્રાટક્‍યું હતું. વાવાઝોડાને કારણે ચેન્નાઈમાં ભારે વરસાદ થયો હતો, જેના કારણે લોકોને ભારે મુશ્‍કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ચેન્નાઈમાં શાળા અને કોલેજો પણ બંધ કરી દેવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી ચેતવણી અનુસાર મૈંડુસ ચક્રવાત શનિવાર (૧૦ ડિસેમ્‍બર)ના રોજ પ્રચંડ સ્‍વરૂપમાં જોવા મળશે, જોકે તે પછી તે પણ નબળું પડશે.

મૈંડુસ ચક્રવાતથી પ્રભાવિત રાજયોમાં NDRF અને SDRFના ટીમો પણ એલર્ટ મોડ પર છે. NDRFના મહાનિર્દેશક અતુલ કરવલે કહ્યું કે, અમારી ટીમ દરેક પરિસ્‍થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. જયારે પણ અમને મદદ માટે બોલાવવામાં આવશે, અમે તાત્‍કાલિક સ્‍થળ પર પહોંચી જઈશું. આ ઉપરાંત જિલ્લા ડિઝાસ્‍ટર રિસ્‍પોન્‍સ ફોર્સની ૧૨ ટીમો તૈયાર રાખવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્‍યા અનુસાર શનિવાર (૧૦ ડિસેમ્‍બર) થી જોરદાર પવનની ગતિ ઘટીને ૫૦-૬૦ કિમી પ્રતિ કલાક થઈ જશે. તે રાત્રિ સુધીમાં ૪૦-૫૦ની ઝડપે પહોંચી જશે.

 

(10:53 am IST)