Gujarati News

Gujarati News

News of Saturday, 10th December 2022

દેશમાં દર કલાકે કેન્‍સરથી ૧૫૯ના મોત

WHOનો ચોંકાવનારો રિપોર્ટ : વિશ્વનાᅠ૨૦ ટકા કેન્‍સર દર્દી ભારતનાઃ દર વર્ષે ૭૫ હજાર લોકોના જીવ લ્‍યે છે આ જીવલેણ બીમારી

નવી દિલ્‍હી તા. ૧૦ : ભારતમાં કેન્‍સર ખૂબ જ ઝડપથી તેની પાંખો ફેલાવી રહ્યું છે. આ બીમારીને કારણે દેશમાં દર કલાકે ૧૫૯ લોકોના મોત થઈ રહ્યા છે. સ્‍થિતિ કેટલી ખરાબ છે, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે કેન્‍સર ટેસ્‍ટિંગ સેન્‍ટરો દ્વારા છેલ્લા આઠ વર્ષમાં આ બીમારીથી સંબંધિત લગભગ ૩૦ કરોડ ગંભીર કેસ સામે આવ્‍યા છે.

સ્‍વાસ્‍થ્‍ય રાજય મંત્રી ડો. ભારતી પવારે લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન જણાવ્‍યું કે, નેશનલ કેન્‍સર રજિસ્‍ટ્રી પ્રોગ્રામ મુજબ વર્ષ ૨૦૨૦માં લગભગ ૧૪ લાખ લોકો આ બીમારીથી મૃત્‍યુ પામ્‍યા હતા. તેના દર્દીઓની સંખ્‍યામાં દર વર્ષે ૧૨.૮ ટકાનો વધારો થઈ રહ્યો છે. એક અંદાજ મુજબ, વર્ષ ૨૦૨૫માં આ રોગ ૧૫,૬૯,૭૯૩ લોકોના જીવ લેશે. તેમણે માહિતી આપી હતી કે કેન્‍સર સ્‍ક્રીનીંગ સેન્‍ટરો દ્વારા મોઢાના કેન્‍સરના ૧૬ કરોડ કેસ, સ્‍તન કેન્‍સરના ૮ કરોડ અને સર્વાઇકલ કેન્‍સરના ૫.૫૩ કરોડ કેસ મળી આવ્‍યા છે.

વર્લ્‍ડ હેલ્‍થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, હાલમાં વિશ્વના કેન્‍સરના ૨૦ ટકા દર્દીઓ ભારતના છે. દર વર્ષે આ રોગને કારણે ૭૫,૦૦૦ લોકો મૃત્‍યુ પામે છે. ઘણા કિસ્‍સાઓમાં, દર્દીઓને સારવાર પણ મળતી નથી અને મોટી સંખ્‍યામાં લોકો રોગને તેના પ્રારંભિક તબક્કામાં ઓળખતા નથી. જંતુનાશકોના વ્‍યાપક ઉપયોગ, અનિયમિત દિનચર્યા, ધૂમ્રપાન અને ગુટકા-તમાકુના વધતા વપરાશને કારણે આ રોગની સંખ્‍યા સતત વધી રહી છે.

ડો. પવારે કહ્યું કે સરકાર આ રોગની વધતી સંખ્‍યાને લઈને ખૂબ જ ચિંતિત છે. પ્રારંભિક તબક્કે આ રોગને ઓળખવા માટે ઘણા સ્‍તરે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કેન્‍સર સ્‍ક્રિનિંગ કેન્‍દ્રો ઉપરાંત, આરોગ્‍ય અને સુખાકારી કેન્‍દ્રોની સંખ્‍યામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. સરકાર આગામી ત્રણ વર્ષમાં ૧૫ લાખ આરોગ્‍ય કેન્‍દ્રો સ્‍થાપવાનું લક્ષ્ય ધરાવે છે. આ રોગથી બચવાના ઉપાયો જાગૃતિ દ્વારા જણાવવામાં આવી રહ્યા છે. સરકાર દર્દીઓને અનેક માધ્‍યમો દ્વારા આર્થિક મદદ પૂરી પાડે છે. વર્ષ ૨૦૨૦માં ૧૪ લાખ મૃત્‍યુ પામ્‍યા હતા.

(10:50 am IST)