Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

મધ્યપ્રદેશમાં સિંધિયાના ગઢમાં ગાબડું! ગ્વાલિયર-ચંબલ વિસ્તારની 20 સીટમાંથી 12માં ભાજપ ઉમેદવાર આગળ

સિંધિયાના રાજનીતિક ભવિષ્ય પર અસર પડવાની સંભાવના

ભોપાલ: રાજ્યસભા સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાનું પ્રભુત્વ ધરાવતી 20 બેઠકોમાંથી માત્ર 12 બેઠકો પર જ ભાજપના ઉમેદવારો આગળ ચાલી રહ્યાં છે. જ્યારે 8 સીટો પર કોંગ્રેસના ઉમેદવાર આગળ છે. સિંધિયાની સાથે 22 ધારાસભ્યોએ કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં ભળ્યા હતા. જેમાંથી 20 સિંધિયા જૂથના, જ્યારે એખ દિગ્વિજય સિંહ સમર્થક બિસાહુલાલ સિંહ અને બીજા હરદીપ સિંહ દંગ અરુણ યાદવ સમર્થક હતા. જૌરામાં બનવારીલાલ શર્માના અવસાનથી બેઠક ખાલી થઈ છે, જે સિંધિયાનો ગઢ ગણાય છે. હવે અહીંથી સુબેદાર સિંહ ચૂંટણી લડી રહ્યાં છે, જે આગળ ચાલી રહ્યાં છે.

ગ્વાલિયર જિલ્લાની 3 વિધાનસભા બેઠકો પર ભાજપ આગળ ચાલી રહ્યું છે, પરંતુ ભિંડ, મુરૈના, અશોકનગર અને શિવપુરીમાં પાર્ટી પાછળ પડી રહી છે. જે પાર્ટીના રાજ્યસભા સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. પોહરીમાં BSP અને કરૈરામાં કોંગ્રેસ ઉમેદવાર સામે ભાજપના ઉમેદવાર પાછળ ચાલી રહ્યાં છે. ભિંડ જિલ્લાની ગોહદમાં ભાજપના ઉમેદવાર આગળ છે, પરંતુ મેહગાંવમાં કોંગ્રેસના હેમંત કટારે આગળ છે. દતિયા જિલ્લાની ભાંડેર વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ફૂલ સિંહ બરૈયા આગળ ચાલી રહ્યાં છે. અશોકનગર જિલ્લાના સુમાવલીમાં પણ કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે. સુમાવલીમાં કોંગ્રેસના અજબ સિંહ, દિમિની વિધાનસભા બેઠક પર કોંગ્રેસના રવિન્દ્ર સિંહ તોમર અને અમ્બાહમાં કોંગ્રેસના સત્યપ્રકાર સખવાર આગળ ચાલી રહ્યાં છે. આજ રીતે આગર વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ભાજપના કેન્ડિડેટ કરતાં આગળ ચાલી રહ્યા છે.

(1:34 pm IST)