Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

અમેરિકાની કંપની ફોર્ડ સહીત સાત મોટી ઓટો કંપનીઓએ છેલ્લા પાંચ વર્ષમાં ભારતને છોડ્યું

નવા ઉત્પાદનો લાવવામાં નિષ્ફળ, ખર્ચાળ અને નબળી સર્વિસ, સ્પેર્સ પાર્ટ્સ ના મળવા વગેરે કારણે ગ્રાહક ગુમાવ્યા

નવી દિલ્હી : અમેરિકાની કંપની ફોર્ડે હાલ ભારતમાંથી ચાલ્યા જવાનો નિર્ણય લીધો છે. ફોર્ડ ઉપરાંત હાર્લી ડેવિડસન, ફિયાટ, માન, પોલારિસ, જનરલ મોટર્સ જીએમ, યુનાઇટેડ મોટર્સ મોટર સાયકલ જેવી સાત મોટી ઓટો કંપનીઓ છેલ્લા પાંચ વર્ષમાં ભારતમાંથી બહાર થઈ ચુકી છે. તો ચાલો આજે આપણે આનું કારણ જાણીએ.

આપણા દેશમાંથી વ્યવસાય સમેટનારા લોકોમાં ત્રણ અમેરિકન કંપનીઓ શામેલ છે. જોકે કંપનીઓ પાસે આ વ્યવસાય બંધ કરવાના પોતાના કારણો પણ છે જેમાં મુખ્યત્વે ભારતીય બજારને સમજવામાં વ્યૂહાત્મક ખામીઓ, વેચાણ પછીની ઓછી અને ખર્ચાળ સેવાઓ, નવા મોડેલ લાવવામાં નિષ્ફળતા, દરેક જગ્યાએ સ્પેરપાર્ટ્સ ઉપલબ્ધ ના હોવા વગેરે છે.

જો ફોર્ડ ઇન્ડિયાની વાત કરીએ તો તે શરૂઆતથી જ મુશ્કેલીમાં છે તે ભારતમાં ક્યારેય પણ નફાકારક રહ્યું નથી. આપણા દેશમાં વોલ્યુમ સેગમેન્ટ પર વધુ પડતો ભાર મૂકવામાં આવ્યો છે એટલે કે નાની ગાડીઓ ધૂમ મચાવી રહી છે જેના કારણે જ મારુતિ સુઝુકી અને હ્યુન્ડાઇ ભારતીય બજાર પર શાસન કરી રહી છે. ફોર્ડ એવી કોઈ દમદાર ગાડી લાવી શક્યું નહિ કે, જે બજારમાં અન્ય ગાડીઓને ટક્કર આપી શકે છે. આ સિવાય તેમની સર્વિસ પણ વધુ સારી ના હતી જેના કારણે તેમણે ભારતીય બજારમાંથી પીછેહઠ કરવી પડી.

 

ઓટો એક્સપર્ટ ટુટુ ધવન કહે છે, નવા ઉત્પાદનો લાવવામાં નિષ્ફળ, ખર્ચાળ અને નબળી સર્વિસ, સ્પેર્સ પાર્ટ્સ ના મળવા વગેરે કારણોસર ફોર્ડ ભારતીય ગ્રાહકોને આકર્ષવામાં નિષ્ફળ સાબિત થઇ. આ કંપની અહીં 15 વર્ષ જૂના મોડેલો પર નિર્ભર હતી, જ્યારે બાકીની કંપનીઓ દર 2-3 વર્ષે નવું મોડેલ લઈને આવે છે.

અમેરિકન કંપની જનરલ મોટર્સમાં પણ આવું જ હતું. જનરલ મોટર્સની શેવરોલેટ બ્રાન્ડે ક્યારેય માર્કેટમાં સ્થાન મેળવ્યું નથી. યુ.એસ. કંપનીઓ સસ્તી અને મૂલ્ય આધારિત ઉત્પાદનો લોન્ચ કરવામાં નિષ્ફળ ગઈ. એક કારણ એ છે કે, અમેરિકન કંપનીઓના કુલ ટર્નઓવર અને નફામાં ભારતીય વ્યવસાય ખાસ ફાળો આપતો નથી તેથી, નુકશાની સહન કરવાની જગ્યાએ કંપની બંધ કરવાનો વિકલ્પ પસંદ કર્યો.

ઇટાલિયન કાર કંપની ફિયાટ વર્ષોથી ભારતમાં પ્રતિષ્ઠિત હતી. તેણીએ પહેલા પણ એક વખત પોતાનો સિક્કો અહીં જમા કરાવ્યો હતો. તેના આધારે જ તેણે ફરી આપણા દેશમાં Punto, Linea જેવી પ્રોડક્ટ્સ લોન્ચ કરી પરંતુ, ફરીથી કંપનીને વધારે સફળતા ન મળી અને તેણે વર્ષ 2020 માં તેનું ઉત્પાદન સંપૂર્ણપણે બંધ કરી દીધું. અમેરિકન યુનાઇટેડ મોટર્સે લોહિયા મોટર્સ સાથે ભાગીદારીમાં ભારતમાં પ્રવેશ કર્યો પરંતુ, તેની મોટરસાયકલો ભારતીયોને પસંદ ન હતી અને તેમની નબળી ગુણવત્તા વિશે પણ ઘણી ફરિયાદો હતી, જેના કારણે કંપની ભારતમાં ટકી શકી ન હતી.

અમેરિકન લક્ઝરી મોટરસાઇકલ બ્રાન્ડ હાર્લી ડેવિડસનની વિદાય તેના ભારતીય જાણકારો માટે આઘાતજનક હતી. કંપનીએ સપ્ટેમ્બર 2020 થી તેનો ભારતીય વ્યવસાય બંધ કરી દીધો. તે એક પ્રીમિયમ સેગમેન્ટમાં છે અને તેની પ્રોડક્ટ્સ આયાત પછી ખૂબ મોંઘી થતી હતી જેના કારણે તે સફળ થઈ શકી ન હતી. આઇશર મોટર્સે 2013 માં અમેરિકન કંપની પોલારિસ સાથે મળીને ભારતમાં પોતાની કાર વેચવાનું શરૂ કર્યું હતુ પરંતુ, ભારતીય ગ્રાહકોની જરૂરિયાતોને ના સમજવાને કારણે આ કંપની પોલારિસે પણ માર્ચ 2018 માં પોતાનો વ્યવસાય બંધ કરવો પડ્યો હતો.

ફોક્સવેગનની ટ્રક અને બસ ઉત્પાદક મેનને પણ વર્ષ 2018માં ભારતમાંથી પોતાનો વ્યવસાય પાછો ખેંચવો પડ્યો હતો. આ કંપની ભારતીય બજારની જરૂરિયાતોને સમજી શકી નહિ અને તેના ઉત્પાદનો અહીં કામ કરતા નથી. તેને ભારતમાં ટાટા અને અશોક લેલેન્ડ પ્રોડક્ટ્સ તરફથી ભરપૂર સ્પર્ધા મળી રહેતી.

ભારતીય બજારમાં નાની, સસ્તી અને સારી ગુણવત્તાવાળી ગાડીઓનું પ્રભુત્વ છે જેમકે, મારુતિ, હીરો અને હ્યુન્ડાઇને આ કારણે ઘણી સફળતા મળી છે. જેણે આ સેગમેન્ટમાં ગાડી લાવવામાં વિલંબ કર્યો છે તે માર્કેટમાંથી ફેંકાઈ ગયુ છે. જાપાની કંપની હોન્ડા કાર્સની મુશ્કેલીનું કારણ પણ આ જ છે. હોન્ડાએ હજુ ભારતમાંથી બહાર જવાનું બાકી છે પરંતુ, તેણે ગ્રેટર નોઈડામાં તેનો પ્લાન્ટ બંધ કરી દીધો છે અને આ કંપની હાલ મુશ્કેલીમાં ચાલી રહી છે.

હોન્ડા, નિસાન, ફોક્સવેગન, સ્કોડા જેવી અન્ય કંપનીઓ પણ ભવિષ્યમાં રોકાણ કરવામાં અચકાતી હોય છે. ઓટો કંપનીઓએ કોરોના પછી આ વર્ષે વેચાણમાં થોડો સુધારો થવાની અપેક્ષા રાખી હતી પરંતુ, ચીપની અછતને કારણે આ વર્ષે પણ તહેવારોની સીઝન મંદી રહેવાની ધારણા છે, ઓટો સેક્ટર અને અર્થતંત્રના ભવિષ્ય અંગે હજુ પણ લાંબા ગાળાની અનિશ્ચિતતા છે. આ કારણોસર ફોર્ડ માટે કોઈ આશા બાકી નહોતી.

જો બધું બરાબર ચાલ્યું હોત તો વર્ષ 2020 માં ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઓટોમાર્કેટ હોત પરંતુ, કોરોનાની સમસ્યાએ બધું જ ગડબડ કરી નાખ્યું. ફોર્ડ કાર ઘણી મોંઘી હતી પરંતુ, વેચાણ પછીની સેવા ખૂબ જ નબળી હતી જેના કારણે તે ભારતીય ગ્રાહકોને પસંદ ના હતી. બીજી તરફ કિયા મોટર્સ, એમજી મોટર્સ જેવી નવી કંપનીઓએ ભારતીય બજારને સમજ્યું અને એસયુવી જેવી પ્રોડક્ટ્સ લોન્ચ કરી, જેના કારણે તેમને સારી સફળતા મળી રહી હોવાનું જણાય છે.

(11:30 pm IST)