Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

કાશ્મીરમાં ભાજપ ભાઈચારો તોડવાનું કામ કરે છે : રાહુલ ગાંધી

રાહુલે કટરાથી વૈષ્ણવદેવીની યાત્રા પગપાળા કરી : ભાજપ લોકો માટે ડર છે અને કોંગ્રેસએ લોકો માટે પ્રેમનું પ્રતિક હોવાનો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનો દાવો

જમ્મુ, તા.૧૦ : માતા વૈષ્ણવદેવીના દર્શન કરવા માટે જમ્મુ પહોંચેલા રાહુલ ગાંધીએ આજે જમ્મુમાં કાર્યકરોને સંબોધિત કરતા કહ્યુ હતુ કે, જમ્મુ-કાશ્મીરમાં આવુ છું તો એવુ લાગે છે કે, ઘરે આવ્યો છું. રાજ્ય સાથે મારા પરિવારનો નાતો બહુ જુનો રહ્યો છે.

રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, અહીંયા આવીને ખુશી પણ થાય છે અને સાથે સાથે દુખ પણ થાય છે કે, અહીંયા જે ભાઈચારાની ભાવના છે તેને આરએસએસ અને ભાજપ તોડવાનુ કામ કરી રહ્યા છે.કોંગ્રેસ પાર્ટીનુ ચિન્હ પંજો છે અ્ને તે સંદેશ આપે છે કે, સાચુ  બોલવામાં ડરવુ જોઈએ નહીં જ્યારે ભાજપના લોકો સચ્ચાઈથી ડરે છે.ભાજપ લોકો માટે ડર છે અને કોંગ્રેસ લોકો માટે પ્રેમનુ પ્રતિક છે.

રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, જમ્મુ કાશ્મીરને રાજ્યનો દરજ્જો પાછો મળો જોઈએ.કાશ્મીરી પંડિતોના ડેલિગેશનને પણ હું આજે મળ્યો છું અને તેમનુ પણ કહેવુ હતુ કે ભાજપે અમારા માટે કશું નથી કર્યુ પણ કોંગ્રેસે ઘણી મદદ કરી છે.

ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ ગઈકાલે કટરા પહોંચીને માતા વૈષ્ણવદેવીના મંદિર સુધી ૧૩ કિલોમીટરની યાત્રા પગપાળા કરી હતી. પછી તેઓ આજે જમ્મુમાં કાર્યકરોને મળ્યા હતા.

(7:29 pm IST)