Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

અફઘાનિસ્તાન પર કંટ્રોલ માટે પાકિસ્તાનનો નવો દાવ :પાકિસ્તાની રૂપિયાને 'કબૂલ' કરશે તાલિબાન

પાક, નાણામંત્રી તારિને કહ્યું કે અફઘાનિસ્તાનની પાસે ડોલર્સની અછત છે આથી પાકિસ્તાન પોતાની મુદ્રામાં જ વેપાર કરશે.

ફઘાનિસ્તાનમાં તાલિબાની સરકારનું પાકિસ્તાન શરૂઆતથી જ ખુલ્લેઆમ સમર્થન કરી રહ્યું છે તો બીજીબાજુ તાલિબાન પણ પાકિસ્તાનને પોતાનું બીજું ઘર કહે છે. હવે પાકિસ્તાને અફઘાનિસ્તાનની સાથે પોતાની મુદ્રામાં જ વેપાર શરૂ કરવાની વાત કરી છે.

પાકિસ્તાનના કેન્દ્રીય નાણાંમંત્રી શૌકત તારિને કહ્યું કે તેમની સરકારે અફઘાનિસ્તાનની સાથે પાકિસ્તાની ચલણમાં વેપાર કરવાનો નિર્ણય કર્યો છે. તારિને કહ્યું કે અફઘાનિસ્તાનની પાસે ડોલર્સની અછત છે આથી પાકિસ્તાન પોતાની મુદ્રામાં જ વેપાર કરશે.

શૌકતે કહ્યું કે અફઘાનિસ્તાનની સ્થિતિ પર નજર છે. પાકિસ્તાન અફઘાનિસ્તાનના અર્થતંત્રને પાટા પર લાવવામાં મદદ કરવા માટે ત્યાં એક ટીમ પણ મોકલી શકે છે. જો કે વાત એમ છે કે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ સહિત કેટલાંય સંસ્થાઓએ અફઘાનિસ્તાનને મળતા ફંડિંગ પર પ્રતિબંધ મૂકી દીધો છે અને તેની સંપત્તિઓને પણ ફ્રીઝ કરી દીધી છે આથી તાલિબાનને આર્થિક સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજીબાજુ પાકિસ્સાતનના અર્થતંત્રની સ્થિતિ સારી નથી.

પાકિસ્તાની નાણાંમંત્રી તારિને કહ્યું કે પાકિસ્તાને થોડાંક સપ્તાહમાં અફઘાનિસ્તાનની સાથે વેપારનું પરિણામ દેખાવા લાગશે. તેમણે કહ્યું કે સરકાર પાકિસ્તાનના જીડીપી ગ્રોથને હાલના નાણાંકીય વર્ષમાં 4 ટકા વધારીને 4.8 ટકા કરવા માંગે છે. જ્યારે તારિને પાકિસ્તાની ચલણની કથળતી સ્થિતિ અંગે પ્રશ્ન કર્યો તો તેમણે કહ્યું કે વર્ષ 2018-19માં પાકિસ્તાની રૂપિયાનું અવમૂલ્યનથી અર્થતંત્ર પર ખરાબ અસર થઇ. હાલ એક ડોલરની કિંમત 169 પાકિસ્તાની રૂપિયો છે.

પાકિસ્તાનના કેટલાંય મંત્રી તાલિબાનના સમર્થનમાં ખૂલીને બોલી ચૂકયા છે. દુનિયાભરના દેશ જ્યારે અફઘાનિસ્તાનમાં તાલિબાનની સરકારને માન્યતા આપવાને લઇ સંશયમાં છે, પાકિસ્તાનના મંત્રી તાલિબાન સરકારની સાથે દોસ્તી મજબૂત કરવાના પક્ષમાં છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ કહ્યું કે અફઘાનિસ્તાનની સંપત્તિઓને અનફ્રીઝ કરી દેવી જોઇએ જેથી કરીને તેનો ઉપયોગ થઇ શકે.

(12:08 pm IST)