Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

અમેરિકાના ઘાવ ઉપર મીઠું ભભરાવવા તાલિબાનનો દાવ

૯/૧૧ની ૨૦મી વરસીના દિવસે જ અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકાર શપથ લેશે ? ૧૫ આતંકીઓ પ્રધાન બનશે : તાલિબાન સરકાર બનતા અલકાયદા અને હક્કાની નેટવર્ક સહિત અનેક આતંકી સંગઠનોને ખુલ્લુ મેદાન મળી ગયું : અમેરિકાની ચિંતામાં અનેકગણો વધારો

કાબુલ તા. ૧૦ : અફઘાનિસ્તાન ઉપર કબ્જો જમાવ્યા પછી તાલિબાન હવે અમેરિકાના સૌથી મોટા જખ્મ ઉપર મીઠું - મરચું ભભરાવવાની તૈયારી કરી રહ્યાનું બહાર આવ્યું છે.

યુનો દ્વારા પ્રતિબંધિત જાહેર થયેલા ખૂંખાર ૧૪ આતંકીઓવાળી કેબીનેટના શપથ ગ્રહણ માટે તાલિબાનોએ જે તારીખ પસંદ કરી છે તે અમેરિકાને શૂળની માફક ખૂંચે તેવી છે.

કેટલાક મિડીયા અહેવાલો મુજબ એવો દાવો કરાયો છે કે તાલિબાનોની વચગાળાની સરકારની સોગંદવિધિ ૯/૧૧ના ન્યૂયોર્ક ઉપર થયેલા વિમાની હુમલાની ૨૦મી વરસીના દિવસે હાથ ધરાય તેવી શકયતા છે.

૨૦ વર્ષ પૂર્વે ઓસામા બિન લાદેનના વડપણ હેઠળ અલકાયદાના આતંકીઓએ અમેરિકા ઉપર અત્યાર સુધીનો સૌથી મોટો અને ભયાનક હુમલો કરેલ. વિમાનોને હાઇજેક કરી આતંકવાદીઓએ વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટવીન ટાવર અને પેન્ટાગોનના હેડકવાટર સાથે ટકરાવી દીધેલ. આ હુમલામાં ૩ અમેરિકનો - વિદેશીઓ માર્યા ગયા હતા. તેનો બદલો લેવા અમેરિકાએ અફઘાનિસ્તાનમાં લશ્કરી ઓપરેશન શરૂ કર્યું હતું અને તાલિબાનોને સત્તા પરથી હટાવી અને અલકાયદા સહિત અનેક આતંકી સંગઠનો ઉપર બોમ્બમારો કરેલ.

બે દાયકામાં અરબો - ખરબો ડોલરની ધનરાશી અને હજારો અમેરિકી - બ્રિટીશ સૈનિકોની શહિદી છતાં રશિયા પછી અમેરિકા પણ તાલીબાનોના મૂળીયા ઉખેડી શકયું ન હતું તે સહુ જાણે છે.

અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈનિકોની વાપસી પહેલા જ તાલિબાને કાબુલ - કંદહાર સહિત સમગ્ર દેશ ઉપર કબ્જો જમાવી લીધેલ.

આ સાથે જ અલકાયદા અને હક્કાની નેટવર્ક સહિત અનેક આતંકી સંગઠનોને અફઘાનિસ્તાનમાં ખુલ્લુ મેદાન મળી ગયું છે.

આટલું ઓછું હોય તેમ તાલિબાને પોતાની સરકારની રચના પૂર્વે ચીન, તુર્કી, પાકિસ્તાન, ઇરાન, કતર અને ભારત જેવા પડોશી દેશો સાથે અમેરિકાને પણ શપથવિધિમાં હાજરી આપવા આમંત્રણ પણ આપ્યું છે. તાલિબાન રાષ્ટ્રને માન્યતા આપવા જ્યારે વિશ્વના મોટાભાગના દેશોએ ઉતાવળ નહિ કરવાનું વલણ સ્પષ્ટ કર્યું છે ત્યારે તાલિબાને આ પગલું ભર્યું છે.

બે વખત મુલત્વી રાખ્યા પછી તાલિબાનોએ મંગળવારે વચગાળાની સરકારની જાહેરાત કરી અને તાલિબાનના સુપ્રીમ લીડર હિબાતુલ્લાહ અખુંદજાદાને સર્વોચ્ચ પદ આપ્યું. જ્યારે મુલ્લા મુહમ્મદ હસન અખુદને વડાપ્રધાન બનાવાશે. સરકારમાં ખૂંખાર આતંકી સંગઠન હક્કાનીના નેતાઓને મુખ્ય હોદ્દા અપાયા છે તેથી વિશ્વભરમાં ચિંતા વધી ગઇ છે. અમેરિકાની પ્રતિબંધીત લોકોની યાદીમાં રહેલ કેટલાય આતંકી તાલિબાન સરકારમાં સ્થાન પામ્યા છે તેનો અમેરિકાએ વિરોધ કરી નામો હટાવવા કહ્યું છે.

(10:15 am IST)