Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

સરકારમાં સામેલ તમામ સામે પ્રતિબંધ હટાવવાની ચેતવણી

તાલિબાન-અમેરિકા વચ્ચે શાબ્દીક યુદ્ધ શરૂ : સરકારમાં સિરાજુદ્દીન હક્કાનીની એન્ટ્રી બાદ અમેરિકાએ ચિંતા વ્યક્ત કરતા નિવેદન પછી તાલિબાનો ભડક્યા

કાબુલ, તા.૯ : અફઘાનિસ્તાનમાં તાલિબાને નવી સરકાર બનાવ્યા બાદ હવે અમેરિકા અને તાલિબાન વચ્ચે શાબ્દિક જંગ શરુ થયો છે.

સરકારમાં સિરાજુદ્દીન હક્કાની એન્ટ્રી બાદ અમેરિકાએ ચિંતા વ્યક્ત કરી છે.અમેરિકાનુ કહેવુ છે કે, જે લોકોને સરકારમાં સામેલ કરાયા છે તેમનો ટ્રેક રેકોર્ડ ભરોસો કરવા જેવો નથી.જોકે અમેરિકાના નિવેદન પર તાલિબાન ભડકયુ છે.તાલિબાને કહ્યુ છે કે, આ પ્રકારનુ નિવેદન સ્વીકારી નહીં લેવાય અને કોઈ જાતના પ્રતિબંધ પણ ચલાવી નહીં લેવાય. તાલિબાનને એક નિવેદન બહાર પાડીને કહ્યુ છે કે, અમેરિકાએ હક્કાની જુથને લઈને જે પણ કહ્યુ છે તે દોહામાં થયેલા કરારનુ ઉલ્લંઘન છે.હક્કાની જૂથ અને તેમનો પરિવાર પણ ઈસ્લામિક અમીરાતનો હિસ્સો છે.દોહા કરારના ભાગરુપે હવે સરકારમાં સામેલ તમામ લોકો પરનો પ્રતિબંધ અમેરિકા અને સંયુક્ત રાષ્ટ્રે હટાવી લેવો જોઈએ.જેની માંગણી લાંબા સમયથી અમે કરી રહ્યા છે.

તાલિબાને વધુમાં કહ્યુ છે કે, અમેરિકા અને બીજા દેશો જે પ્રકારના નિવેદન આપી રહ્યા છે તે ચલાવી નહીં લેવાય.આવા નિવેદનો અટકવા જોઈએ અને અમેરિકાએ પોતાની નીતિ બદલવાની જરુર છે.

ઉલ્લેખનીય છે કે, તાલિબાન સરકારમાં ગૃહ મંત્રી બનેલા સિરાજુદ્દીન હક્કાની પર તો અમેરિકાએ ૭૩ કરોડ રુપિયાનુ ઈનામ જાહેર કરેલુ છે.

(12:00 am IST)