Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

ઉત્તરપ્રદેશમાં ભાજપના મંત્રીઓ-ધારાસભ્યો સામે નોંધાયેલા કેસો પરત ખેંચાશે ! : 20,000 રાજકીય કેસ પાછા ખેંચવામાં આવશે

BJP તેના ગુનાહિત વલણ ધરાવતા મંત્રીઓ અને ધારાસભ્યોને બચાવવામાં પડી છે. ગ્રાન્ડ ઓમેક્સ સોસાયટીમાં જે કંઈ થયું તે, તેનું પરિણામ : ભદૌરિયા

લખનૌ તા.10 : ઉત્તરપ્રદેશની યુપી સરકારમાં એવા ઘણા મંત્રીઓ છે, જેમની વિરુદ્ધ અનેક કેસ નોંધાયેલા છે. તેથી યોગી સરકાર હવે તેના મંત્રીઓ અને ધારાસભ્યો સામે નોંધાયેલા કેસ પાછા ખેંચશે. આ કેસો પાછા ખેંચવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે, કારણ કે રાજકીય દુશ્મનાવટના કારણે નોંધાયેલા કેસોની તપાસનું કામ અંતિમ તબક્કામાં છે.

ઉત્તર પ્રદેશ સરકારે વર્ષ 2017માં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સામેનો 22 વર્ષ જૂનો કેસ પાછો ખેંચી લીધો હતો. આ કેસ 27 મે, 1995ના રોજ ગોરખપુરના પીપીગંજ પોલીસ સ્ટેશનમાં વર્તમાન સીએમ યોગી આદિત્યનાથ, વર્તમાન કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી શિવપ્રતાપ શુક્લા સહિત 13 લોકો વિરુદ્ધ આઈપીસીની કલમ 188 હેઠળ નોંધવામાં આવ્યો હતો.

યુપી સરકારના સૂત્રોએ જણાવ્યું કે, સ્ક્રીનીંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ યુપી સરકાર તેના મંત્રીઓ અને ધારાસભ્યો સામે નોંધાયેલા તમામ કેસ પાછા ખેંચી લેશે. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત નથી થઈ. આ દરમિયાન યુપી સરકારના આ પગલાની ટીકા પણ થવા લાગી છે. સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસે સરકારના આ નિર્ણયને ખોટો અને ગેરબંધારણીય ગણાવ્યો છે.

સમાજવાદી પાર્ટીના પ્રવક્તા અનુરાગ ભદૌરિયાએ કહ્યું કે, BJP તેના ગુનાહિત વલણ ધરાવતા મંત્રીઓ અને ધારાસભ્યોને બચાવવામાં પડી છે. ગ્રાન્ડ ઓમેક્સ સોસાયટીમાં જે કંઈ થયું તે, તેનું પરિણામ છે. તે જ સમયે, કોંગ્રેસ પ્રવક્તા અંશુ અવસ્થીએ પણ સમાજવાદી પાર્ટીના સૂરમાં સૂર પૂરાવ્યો હતો અને કહ્યું કે, તે બંધારણની વિરુદ્ધ છે. સરકાર કેસ કેવી રીતે પાછા ખેંચી શકે? આ ન્યાયતંત્રનો મામલો છે. કોઈ વ્યક્તિ ગુનેગાર છે કે નહીં તે ન્યાયતંત્ર નક્કી કરશે.

 

(07)

(8:10 pm IST)