Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

દુબઈમાં બની રહેલ ભવ્ય હિન્દુ મંદિરને લઈ રણસંગ્રામ !

દુબઈમાં હિન્દુ મંદિરને લઇ સોશિયલ મીડિયામાં 'મહાભારત' શરૂ : મંદિરનું 4 ઓક્ટોબરના રોજ અનાવરણ કરવામાં આવશે

નવી દિલ્લી તા.10 : દુબઇમાં નિર્માણ થયેલ ભવ્ય હિન્દુ મંદિર આવતા 4 ઓક્ટોબરે ભક્તો માટે ખોલવામાં આવશે. મંદિર સંકુલ લગભગ 75 હજાર ચોરસ ફૂટ છે અને મુખ્ય મંદિર 25 હજાર ચોરસ ફૂટમાં હશે. ત્યારે હાવે આ ભવ્ય હિન્દુ મંદિરને લઈ સોશિયલ મીડિયા પર 'મહાભારત' શરૂ થઈ ગયું છે.

દુબઈના આ આલીશાન મંદિરમાં 16 દેવી-દેવતાઓની મૂર્તિઓ રાખવામાં આવશે. આ મંદિરનું લોકાર્પણ 4 ઓક્ટોબરે ભવ્ય રીતે કરવામાં આવશે. મુસ્લિમ દેશ UAEમાં હિન્દુ મંદિરના નિર્માણના સમાચાર સોશિયલ મીડિયામાં આવ્યા બાદ હોબાળો મચી ગયો છે અને કટ્ટરપંથીઓ તેનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. તે જ સમયે, હિન્દુ સમુદાયના લોકો UAEના આ પગલાની પ્રશંસા કરી રહ્યા છે.

ખલીજ ટાઈમ્સના અહેવાલ મુજબ આ મંદિર 5 ઓક્ટોબરે દશેરાના દિવસે દુનિયા માટે ખોલવામાં આવશે. સિંધુ ગુરુ દરબાર મંદિરના ટ્રસ્ટી રાજુ શ્રોફે આ વાતની પુષ્ટિ કરી છે. આ મંદિર દુબઈના જેબેલ અલી વિસ્તારમાં બનાવવામાં આવી રહ્યું છે. આ વિસ્તારમાં શીખ ગુરુદ્વારા અને અનેક ચર્ચ પણ છે. આ મંદિરના અનાવરણ દરમિયાન UAE સરકારના અધિકારીઓ અને પ્રતિષ્ઠિત મહેમાનો હાજર રહેશે. આ મંદિરમાં લગ્ન, હવન અને અન્ય ખાનગી કાર્યક્રમોનું આયોજન કરી શકાય છે.

આ મંદિર ઘણું મોટું છે અને એક સમયે 1000 થી 1200 ભક્તો મંદિરમાં પૂજા કરી શકશે. આ મંદિરની તસવીરો UAEના રહેવાસી હસન સજવાનીએ ટ્વિટર પર શેર કરી છે. આ તસવીરો સામે આવ્યા બાદ જ્યાં હિન્દુઓ તેના જોરદાર વખાણ કરી રહ્યા છે, ત્યાં કટ્ટરવાદીઓ ગુસ્સે થયા છે. ફૈઝલ ​​ખાને લખ્યું છે કે, 'ભાજપના ઉગ્રવાદી હિંદુઓ ભારતમાં મસ્જિદોને તોડી રહ્યા છે અને UAEના લોકો દેશમાં હિન્દુઓ માટે મંદિરો બનાવી રહ્યા છે. તમારા રાજાને કેટલા પૈસાની જરૂર છે? આની પાછળ વ્યાપારી હિત છે.

મુસ્લિમ દેશ યુએઈમાં હિન્દુ મંદિરોના નિર્માણનો ઘણા વધુ લોકોએ વિરોધ કર્યો છે. તે જ સમયે, મોટી સંખ્યામાં લોકો છે જેમણે UAEના પગલાની પ્રશંસા કરી છે. UAE ના રહેવાસી હસન સજવાનીના ટ્વીટને 5 હજારથી વધુ વખત રીટ્વીટ કરવામાં આવ્યું છે અને લગભગ 28 હજાર લોકોએ તેને લાઈક કર્યું છે. આ ટ્વીટ પર ટિપ્પણી કરતા આફતાબે લખ્યું, 'અવિશ્વસનીય પરંતુ વાસ્તવિક. UAE લોકોના દિલ જીતવાની બાબતમાં ઉભરતો સ્ટાર છે. ખરેખર ક્યારેય વિચાર્યું ન હતું કે, એક દિવસ આરબની ધરતી પર મંદિર બનાવવાની મંજૂરી મળશે. અન્ય દેશો માટે આ ઉદાહરણ છે.

(8:06 pm IST)