Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

ચેનલને ઈન્ટર્વ્યુમાં સરકારની ટીકા બદલ ઈમરાનના સહયોગીની ધરપકડ

પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાનના સહયોગી સામે પગલાં : શહબાઝ ગિલે પૂર્વ વડાપ્રધાનને સેના વિરુદ્ધ દર્શાવવા માટે શહબાઝ શરીફ સરકારની આલોચના કરી હતી

ઈસ્લામાબાદ, તા.૧૦ : પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનના એક નજીકના સહયોગીની મંગળવારે એક ખાનગી ટેલિવિઝન ચેનલને આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન કથિત રીતે દેશદ્રોહની ટિપ્પણી કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલા ચેનલના પ્રસારણ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.

પાકિસ્તાન પીટીઆઈના નેતા શહબાઝ ગિલે સોમવારે એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને પૂર્વ વડાપ્રધાનને સેના વિરુદ્ધ દર્શાવવા માટે શહબાઝ શરીફ સરકારની તીખી આલોચના કરી હતી. પાકિસ્તાનની ઈલેક્ટ્રોનિક મીડિયા રેગ્યુલેટરી ઓથોરિટીએ ચેનલ પર પ્રસારિત થતી સામગ્રીને 'ખોટી, નફરત ફેલાવનારી અને રાજદ્રોહ' ગણાવીને તેમને કારણ જણાવો નોટિસ પાઠવી હતી.

ઓથોરિટીએ જણાવ્યું હતું કે, ઈન્ટરવ્યુ સંપૂર્ણપણે ગેરમાર્ગે દોરતી માહિતી સાથે સશસ્ત્ર દળોમાં વિદ્રોહને ઉશ્કેરીને રાષ્ટ્રીય સુરક્ષા માટે સ્પષ્ટપણે જોખમ ઊભું કરે છે. આ પછી ગિલની ધરપકડ કરવામાં આવી હતી.

આ મામલે ઈસ્લામાબાદ પોલીસના પ્રવક્તાએ કહ્યું કે, ખાનના પ્રવક્તા ગિલની દેશની સંસ્થા વિરુદ્ધ નિવેદન આપવા તથા લોકોને વિદ્રોહ માટે ઉશ્કેરવા મામલે ધરપકડ કરવામાં આવી છે.

આ મામલે પૂર્વ પીએમએ કહ્યું કે, આ અપહરણ છે, ધરપકડ નથી. શું કોઈ લોકતંત્રમાં આવું શરમજનક કૃત્ય થઈ શકે છે? રાજકીય કાર્યકર્તાઓને દુશમન સમજવામાં આવે છે. પીટીઆઈના ઉપાધ્યક્ષ ફવાદ ચૌધરીએ ટ્વીટ કર્યું કે, શહબાઝ ગિલને નંબર પ્લેટ વગરની કારમાં આવેલા અજાણ્યા લોકોએ બાનીગાલા ચોકથી પકડ્યા હતા.

 

 

(7:43 pm IST)