Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

૨૦૧૪વાળા ૨૦૨૪માં સત્તા ઉપર નહિ આવે : નીતિશનો મોદીને પડકાર

આજે બપોરે બિહારના મુખ્‍યમંત્રી તરીકે આઠમી વખત શપથ લીધા બાદ નીતિશકુમારે સીધો વડાપ્રધાન મોદીને પડકાર ફેંકી ખળભળાટ સર્જયો : અમે રહીએ કે ન રહીએ તેઓ નહિ રહે : ભાજપ સાથે જવાથી અમને નુકસાન : ભાજપને લાગે છે કે વિપક્ષ ખતમ થઇ ગયો પણ હવે અમે આવી ગયા છીએ : હું વિપક્ષને એક જુથ થવા અપીલ કરૂં છું

પટણા તા. ૧૦ : નિતીશકુમારે ફરી એક વખત બિહારના ૮મા મુખ્‍યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. શપથ ગ્રહણ કર્યા બાદ નિતીશકુમારે મીડીયા સાથે વાતચીત કરી હતી. જે દરમિયાન તેમણે ભાજપ અને આડકતરી રીતે વડાપ્રધાન મોદીને પડકાર ફેંકી એવું જણાવ્‍યું હતું કે, ૨૦૧૪વાળા ૨૦૨૪માં સત્તા ઉપર નહિ હોય તેમણે કહ્યું હતું કે, ૨૦૨૪માં અમે રહીએ કે ન રહીએ તેઓ રહેશે નહિ.

આજે બપોરે મિડીયા સાથે વાતચીત કરતા નિતીશકુમારે વધુમાં જણાવ્‍યું હતું કે, ભાજપ માને છે કે વિપક્ષ ખતમ થઇ ગયો પરંતુ એવું નથી. હવે અમે તેઓની સાથે આવી ગયા છીએ. તેમણે વિપક્ષને અપીલ કરી હતી કે તમામ વિપક્ષો મનથી એક જુથ બને. તેમણે કહ્યું હતું કે, અમે રાજદ સાથે મળીની દેશમાં વિપક્ષને મજબૂત કરશું. નિતીશકુમારે વધુમાં જણાવ્‍યું હતું કે, શપથ ગ્રહણ સમારોહ બાદ સીએમ નીતિશે કહ્યું કે વર્ષ ૨૦૨૦માં ચૂંટણી યોજાઈ હતી, તેમાં જેડીયુ સાથે શું ડીલ થઈ હતી. તેમણે કહ્યું કે હું તે સમયે સીએમ બનવા માંગતો ન હતો. અમારા પક્ષના ધારાસભ્‍યને પૂછો. આખરે મને લાગ્‍યું કે અમે બધાની શુભેચ્‍છાઓનું સ્‍વાગત કરીને સાથે આવ્‍યા છીએ. આરજેડી સાથે જવા અંગે તેમણે કહ્યું કે અમે પાર્ટી સાથે મળીને આ નિર્ણય લીધો છે.

નીતીશ કુમારે શપથ લીધા બાદ સીએમએ કહ્યું કે અમે ટૂંક સમયમાં મીટિંગ બોલાવીશું. ઘ્‍પ્‍એ કહ્યું કે ટૂંક સમયમાં વિધાનસભાનું સત્ર બોલાવવામાં આવશે. આ પછી સંમેલન મુજબ બહુમતી સાબિત કરવાની તારીખ નક્કી કરવામાં આવશે. ભાજપના વિશ્વાસઘાતના આરોપ પર નીતિશે કહ્યું કે કોણ શું કહી રહ્યું છે, તેને છોડો. ૨૦૨૫માં સીએમ પદ પર નહીં રહેવાના સવાલ પર નીતિશ કુમારે કહ્યું કે અમે રહીશું કે નહીં, જે બોલી રહ્યા છે તેમને બોલવા દો.

(4:15 pm IST)