Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

NDA માટે હવે ખરો ‘અગ્નિપથ'! : રાજ્‍યસભામાં મુશ્‍કેલીઓ વધી

છેલ્લા ૩ વર્ષમાં એનડીએનો સાથ છોડનારી જેડીયુ ત્રીજી પાર્ટી છેઃઆ અગાઉ શિવસેના અને શિરોમણી અકાલી દળે પણ સાથ છોડ્‍યો હતો : નીતિશકુમારની જેડીયુના રાજ્‍યસભામાં ૫ સાંસદ છેઃ જેમાં ઉપસભાપતિ હરિવંશ નારાયણ સિંહ પણ છે

નવી દિલ્‍હી, તા.૧૦: બિહારમાં નીતિશકુમારે ભાજપ સાથે ગઠબંધન તોડી નાખ્‍યું. આ સાથે જ એનડીએનું નેતળત્‍વ કરી રહેલા ભાજપને રાજ્‍યસભામાં પણ મોટો ઝટકો લાગ્‍યો છે. નીતિશકુમારની જેડીયુના રાજ્‍યસભામાં ૫ સાંસદ છે. જેમાં ઉપસભાપતિ હરિવંશ નારાયણ સિંહ પણ છે. જો કે જ્‍યારે જેડીયુ એનડીએનો ભાગ હતી ત્‍યારે પણ રાજ્‍યસભામાં ભાજપ સાથે બહુમત નહતું. છેલ્લા ૩ વર્ષમાં એનડીએનો સાથ છોડનારી જેડીયુ ત્રીજી પાર્ટી છે. આ અગાઉ શિવસેના અને શિરોમણી અકાલી દળે પણ સાથ છોડ્‍યો હતો. વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલા તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)એ પણ એનડીએનો સાથ છોડ્‍યો હતો.

હવે જેડીયુ એનડીએનો ભાગ નથી એટલી ભાજપના નેતળત્‍વવાળા એનડીએને રાજ્‍યસભામાં બિલ પાસ કરાવવા માટે ઓડિશાના બીજુ જનતા દળ, આંધ્ર પ્રદેશના વાયએસઆરસીપી પર મદાર રાખવો પડશે. રાજ્‍યસભામાં હાલ ૨૩૭ સભ્‍ય છે. જ્‍યાં ૮ જગ્‍યા ખાલી છે, જેમાંથી ૪ જમ્‍મુ અને કાશ્‍મીરની, એક ત્રિપુરાની અને ૩ બેઠકો એવી છે જે નોમિનેટેડ  કરવાના બાકી છે. બહુમતનો આંકડો ૧૧૯ છે. એનડીએ પાસે સદનમાં ૧૧૫ સભ્‍ય છે. જેમાંથી ૫ નામાંકિત અને એક અપક્ષ છે. જેડીયુના ગયા બાદ એનડીએનો આંકડો ૧૧૦ થઈ ગયો. જે બહુમતથી ૯ સભ્‍ય ઓછો છે.

સરકાર ચોમાસા સત્ર પહેલા ૩ વધુ સાંસદોને નોમિનેટ કરી શકે છે અને જ્‍યારે પણ ચૂંટણી થશે ત્‍યારે ત્રિપુરાની બેઠક પણ ભાજપના ખાતામાં જ જશે. ત્‍યારે પણ એનડીએના સભ્‍યોની સંખ્‍યા વધીને ૧૧૪ સુધી પહોંચી શકશે. જે તે સમયે પણ બહુમત માટે પુરતી નહીં રહે. મહત્‍વના બિલો પર ભાજપને બીજુ જનતા દળ, અને વાયએસઆરસીપીના સમર્થન પર નિર્ભર રહેવું પડશે. આ પાર્ટીઓના ૯-૯ સાંસદો છે. હાલમાં જ થયેલી રાષ્‍ટ્રપતિ અને ઉપરાષ્‍ટ્રપતિની ચૂંટણીમાં ભાજપને શિરોમણી અકાલી દળ, માયાવતીની બહુજન સમાજ પાર્ટી, ટીડીપી, વાયએસઆરસી અને બીજેડીનું સમર્થન મળ્‍યું હતું.

જો એનડીએના આંકડાની વાત કરીએ તો ભાજપના ૯૧ સભ્‍ય છે. એઆઈએડીએમકેના ૪, એસડીએફના ૧, આરપીઆઈએના ૧, એજીપીના ૧, પીએમકેના ૧, એમડીએમકેના ૧, તમિલ મનીલાના એક, એનપીપીના ૧, એમએનએફના ૧, યુપીપીએલના ૧, આઈએનડીના ૧ અને પાંચ નામાંકિત છે. આ રીતે આંકડો ૧૧૦ સુધી પહોંચે છે.

(4:05 pm IST)