Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

અમરનાથ યાત્રાની મુદ્‌ત ઘટાડવા બાબતે વિચારણા

છડી સ્‍થાપના સાથે કાલે ૧૧ ઓગષ્‍ટે સમાપ્ત થશે યાત્રા

જમ્‍મુઃ આ વખતે જમ્‍મુ-કાશ્‍મીર પ્રશાસન જે અમરનાથ યાત્રાથી નિરાશ થયું છે તે હવે ૧૧ ઓગષ્‍ટે યાત્રાની પ્રતીક છડી મુબારકની સ્‍થાપના સાથે જ સમાપ્ત થઇ જશે.ઘણા વર્ષોથી યાત્રાની મુદ્‌ત ઘટાડીને એક મહિનો કરવાની અનેક સંસ્‍થાઓની માંગણી પર વિચાર કરવાનો નિર્ણય આ વખતના અનુભવ પછી પ્રશાસને જરૂર લીધો છે.

શ્રાઇન બોર્ડના દાવા અનુસાર, આ વખતે યાત્રામાં સામેલ થનાર યાત્રીઓ માંડ માંડ ૩.૧૦ લાખ થયા છે અમરનાથ શ્રાઇન બોર્ડને આશા હતી કે આ વખતે ૮ લાખથી વધારે શ્રધ્‍ધાળુઓ તેમાં ભાગ લેશે અને રાજયના વેપારીઓને ત્રણથી ચાર હજાર કરોડનો ધંધો કરાવશે. પણ એવુ નથી બન્‍યું.

જો કે આના માટે હવામાનને જવાબદાર ગણાવાઇ રહ્યુ છે પણ છેલ્લા ઘણા વર્ષોથી એ પરંપરા થઇ ચૂકી છે કે યાત્રાના પ્રતિક એવુ હિંમલીંગ પીગળી ગયા પછી બહુ શ્રધ્‍ધાળુઓ નથી આવતા અને શ્રાઇન બોર્ડના તમામ પ્રયાસો છતા હિમલીંગ યાત્રા શરૂ થયાના થોડા દિવસોમાં જ સંપૂર્ણપણે પીગળી જાય છે.

શ્રાઇન બોર્ડના અધિકારીઓ અનુસાર, યાત્રાની મુદ્‌ત બાબતે પુનઃ વિચારણા કરવાની જરૂર ઉભી થઇ છે. ખરેખર તો જ્‍યારથી યાત્રાની મુદ્‌ત વધારીને બે માંથી અઢી મહીના કરાઇ છે ત્‍યારથી ઘણી સંસ્‍થાઓએ તેને ઘટાડવાના સૂચનો આપ્‍યા છે. લંગર લગાડનાર સંસ્‍થાઓએ આ યાત્રા ૨૫ થી ૩૦ દિવસની કરવા ઘણીવાર  કહ્યુ છે.

યાત્રાની મુદ્‌ત ઘટાડવાની વાત પર્યાવરણ વિભાગ અને અલગતાવાદીઓ પણ પર્યાવરણની દુહાઇ દઇને ભૂતકાળમાં કરતા રહ્યા છે. હવે અધિકારીઓને લાગવા લાગ્‍યું છે કે હિમલીંગ પીગળી ગયા પછી યાત્રાળુઓને ચાલુ રાખવા શકય નથી જયા સુધી હિમલીંગને  સુરક્ષિત રાખવાના ઉપાયો નહી શોધાય.

(3:14 pm IST)