Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

મોંઘવારી આસમાને : પ્રજા પીડાય છે : એક વર્ષમાં ખાદ્ય વસ્‍તુઓના ભાવો આસમાને

સરકારના પ્રયાસો છતાં ભાવ નિયંત્રણમાં નથી આવી રહ્યા : મીઠાના ભાવમાં પણ વધારો થયો છે

નવી દિલ્‍હી તા. ૧૦ : દેશમાં મોંઘવારી સતત વધી રહી છે. સામાન્‍ય માણસની કમર તૂટી છે. મોંઘવારીના કારણે સામાન્‍ય માણસના બજેટમાં પણ વધારો થયો છે. ખાણી-પીણીના ભાવમાં એક વર્ષમાં જબરદસ્‍ત વધારો થયો છે. સરકારના પ્રયાસો છતાં ભાવ નિયંત્રણમાં નથી આવી રહ્યા. મીઠાના ભાવમાં પણ વધારો થયો છે. ગ્રાહક મંત્રાલયના ડેટા દર્શાવે છે કે એક વર્ષ પહેલા ચોખાની કિંમત ૩૪.૮૬ રૂપિયા પ્રતિ કિલો હતી, જે હવે વધીને ૩૭.૩૮ રૂપિયા થઈ ગઈ છે. ઘઉં ૨૫ રૂપિયાથી વધીને ૩૦.૬૧ રૂપિયા જયારે લોટ ૨૯.૪૭ રૂપિયાથી વધીને ૩૫ રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે.

અરહર દાળ એક વર્ષ પહેલા ૧૦૪ રૂપિયા પ્રતિ કિલો હતી જે હવે ૧૦૮ રૂપિયા પ્રતિ કિલો છે. અડદની દાળ ૧૦૪ રૂપિયાથી વધીને ૧૦૭ રૂપિયા પ્રતિ કિલો, મસૂર દાળ ૮૮ રૂપિયાથી વધીને ૯૭ રૂપિયા પ્રતિ કિલો અને દૂધ ૪૮.૯૭ રૂપિયાથી વધીને ૫૨.૪૧ રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે. આરબીઆઈના અંદાજ મુજબ છૂટક ફુગાવાનો દર હજુ પણ ૬ ટકાથી ઉપર રહેશે. ઉપભોક્‍તા મંત્રાલયે અનેક વખત ઓઈલ કંપનીઓ અને સંગઠનોને તેલની કિંમતો ઘટાડવા માટે આહ્વાન કર્યું છે. કંપનીઓનું કહેવું છે કે તેઓ સતત તેલની કિંમતોમાં ઘટાડો કરી રહી છે. પરંતુ હજુ પણ ઓપન માર્કેટમાં તેલના ભાવ ૧૫૦ રૂપિયા પ્રતિ લિટરની ઉપર છે.

કેન્‍દ્ર સરકારે હવે ઘઉંના લોટ, મેંદો અને સોજીની નિકાસ પર ગુણવત્તા પ્રમાણપત્રને મંજૂરી આપવી જરૂરી બનાવી દીધી છે. એક અહેવાલમાં જણવ્‍યા મુજબ કે આ મંજૂરી એક્‍સપોર્ટ ઇન્‍સ્‍પેક્‍શન કાઉન્‍સિલ (EIC) પાસેથી મેળવવી પડશે. તેના મુખ્‍ય કેન્‍દ્રો મુંબઈ, ચેન્નાઈ, દિલ્‍હી અને કોલકાતામાં છે. હકીકતમાં, ૧૩ મેના રોજ ઘઉંની નિકાસ પર પ્રતિબંધ લાદવામાં આવ્‍યા પછી, લોટ, મેંદો અને સોજીની નિકાસ અચાનક વધી ગઈ હતી.

સ્‍થાનિક બજારમાં લોટની ઉપલબ્‍ધતા પર અસર થવાની આશંકા હતી. જેના કારણે કિંમતોમાં પણ વધારો થઈ શકે છે. આને દૂર કરવા માટે, ૧૨ જુલાઈએ, ડાયરેક્‍ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) એ પણ લોટ, મેંદો અને સોજીની નિકાસ પર પ્રતિબંધ મૂક્‍યો હતો. આ માલની નિકાસ માટે આંતર-મંત્રાલય જૂથની મંજૂરી જરૂરી રહેશે.

સરકાર ચીજવસ્‍તુઓની કિંમતો ઘટાડવા માટે સતત પ્રયાસ કરી રહી છે. જો કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ભાવો વધુ છે. જુલાઈ ૨૦૨૧માં છૂટક ફુગાવાનો દર (CPI) ૫.૫૯ ટકા હતો, તે જૂન ૨૦૨૨માં ૭.૦૧ ટકા હતો. જુલાઈમાં તેમાં નજીવો ઘટાડો થવાની ધારણા છે. વિશ્‍લેષકો માને છે કે તે ૬.૬ ટકાની આસપાસ રહી શકે છે. જુલાઈનો ડેટા ૧૨ ઓગસ્‍ટે જાહેર કરવામાં આવશે.

(11:18 am IST)