Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

જીએસટીમાં સમગ્ર કામગીરી ઓનલાઇન પણ HSN કોડ ઓફલાઇન આપવાની નોબત

ખોટો એચએસએન કોડ આપ્‍યો તો વેપારીએ ક્રેડિટ ગુમાવવી પડે : વેપારીએ જાતે એચએસએન કોડ લખવાનું પોર્ટલ પર જણાવાયું

નવી દિલ્‍હી,તા. ૧૦ : જીએસટીની તમામ કામગીરી ઓનલાઇન કરવામાં આવી રહીં હોવા છતાં હજુ પણ કેટલીક બાબતો ઓફલાઇન જ કરવા માટે ખાસ સુચના આપવામાં આવી રહી છે. તેના પરીણામ સ્‍વરુપે જ પોર્ટલ પર એચએસએન કોડ અપડેટ કરવાની કાર્યવાહી યોગ્‍ય રીતે કરવામાં આવી નહીં હોવાના કારણે વેપારીઓને એવુ કહેવામાં આવી રહ્યુ છે કે એચએસએન કોડ ઓટોમેટીક અપડેટ ના થાય તો મેન્‍યુએલી એટલે કે વેપારીએ જાતે જીએસટીઆર ૧ ભરતી વખતે આપવો પડશે.

જીએસટીઆર ૧ વખતે એચએસએન કોડ લખવામાં વેપારીએ નાની સરખી પણ ભુલ કરી તો સામેવાલા વેપારીને ક્રેડિટ પણ નહીં આપવામાં આવે તેમજ જે વેપારીએ ખોટો એચએસએન કોડ લખ્‍યો હશે તેને પણ ખુલાસો કરવા માટે નોટીસ ફટકારવામાં આવશે. જેથી જીએસટી પોર્ટલની ખામીને કારણે વેપારીને બેવડી તકલીફ ઉભી થવાની છે. જોકે જીએસટી કાઉન્‍સીલમાં આ માટે અગાઉથી જ જાહેરાત કરી દેવામાં આવી હતી કે જુલાઇ ભરવાનુ થતા રીટર્નમાં વેપારીએ ચારના બદલે છ આંકડાનો નંબર નાંખવો પડશે. તે જાહેરાત કર્યાને બે મહિનાનો સમય વિતી ગયો હોવા છતાં હજુ પણ પોર્ટલ પર તેને અપડેટ નહીં કરતા વેપારીઓને સૌથી વધુ સમસ્‍યાનો સામનો કરવો પડી રહ્યો છે. (૨૨.૩)

પોર્ટલ પર એચએસએન કોડ આપવામાં બેવડી નીતિ

૨૦ કરોડથી વધુ ટર્ન ઓવર ધરાવનારે જીએસટી પોર્ટલ પર જ ઇ-ઇનવોઇસ બનાવવામાં આવતા હોય છે. જયારે તેઓ દ્વારા ઇ-ઇનવોઇસ બનાવવામાં આવે ત્‍યારે તેના પર ઓટોમેટીક એચએસએન કોડ આવી જાય છે. જયારે જીએસટીઆર ૧ ભરતી વખતે એચએસએન કોડ આવતો નથી. તેના કારણે એવી પણ ચર્ચા થઇ રહી છે જીએસટીએ જે કંપનીને કામગીરી સોંપી તે જ કંપની દ્વારા ઇ-ઇનવોઇસ પર ઓટોમેટિક એચએસએન કોડ આપી દેવામાં આવે છે જ્‍યારે જીએસટીઆર ૧ ભરતી વખતે એચએસએન કોડ નહીં આપવા વેપારીઓમાં અસમજસની સ્‍થિતીનું નિર્માણ થયું છે.

-ટેક્‍સ કન્‍સલ્‍ટન્‍ટ

(11:20 am IST)