Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

કાલે રક્ષાબંધન..સ્‍નેહભર્યા સંબંધમાં રાષ્‍ટ્રપ્રેમના તાંતણે લાગણીઓ બંધાશે

વીરલાના કાંડે આકર્ષક ‘તિરંગા' રાખડી બાંધવાનો ટ્રેન્‍ડ

નવી દિલ્‍હી,તા. ૧૦ : ભાઇ-બહેનના પવિત્ર સંબંધને વાચા આપતુ પર્વ રક્ષાબંધનને લઇ શહેરના રાખડી અને મીઠાઇ બજારમાં ખરીદીનો ધમધમાટ દેખાયો છે. દરમિયાન દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્‍સવની ઉજવણી સાથે જ વીરલાના કાંડે તિરંગા રાખડી બંધાશે. ભાઇ-બહેનોના સ્‍નેહ, સંબંધની લાગણી સાથે રક્ષાબંધન પર્વ નિમિતે રાષ્‍ટ્રપ્રેમની ઝલક પણ દેખાશે.

૧૫ ઓગષ્‍ટે સ્‍વાતંત્ર્ય પર્વની ઉજવણી સાથે જ ‘હર ઘર તિરંગા' કાર્યક્રમની ઉજવણીને લઇને તડામાર તૈયારીઓ જોવા મળી રહી છે. જેમાં રક્ષાબંધન પર્વ વેળાએ રાષ્‍ટ્રપ્રેમની ઝાંખી સાથે બહેન ભાઇને તિરંગા રાખડી બાંધશે. શહેરના રાખડી બજારમાં હાલમાં તિરંગા રાખડીની અલગ અલગ ડિઝાઇન જોવા મળી રહી છે. ૫ રૂપિયાથી માંડીને ૫૦ રૂપિયા સુધીની કિંમતમાં રાષ્‍ટ્રધ્‍વજના ત્રણેય રંગોને આવરી લેતી રાખડી. જુદા-જુદા કાર્ટૂન કેરેકટરમાં તિરંગા રાખડીનું વેચાણ થઇ રહ્યુ છે. વિક્રેતા નૈનેષ ચૌહાણે જણાવ્‍યુ હતુ કે રાખડી બજારમાં ૧ રૂપિયાથી માંડીને ૫૦૦ રૂપિયા સુધીની અને ૨ હજારથી વધુ ડિઝાઇન ધરાવતી રાખડીનુ઼ વેચાણ થઇ રહ્યુ છે. તેમાં ચંદન, મોરપંખ, અવનવા કાર્ટૂન કેરેકટર, નાના મોબાઇલ જેવી અલગ અલગ ડિઝાઇન ધરાવતી રાખડીનો ક્રેઝ છે. આ વર્ષે તિરંગા રાખડીની નવી ડીઝાઇન સાથે તેની માંગ પણ જોવા મળી રહી છે.

(11:17 am IST)