Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

ઉદ્યોગ જગતને ખુશ કરશે સરકારઃ આવશે નવી ઔદ્યોગિક નીતિ

ચૂંટણી પહેલા જ રાજય સરકાર કરશે જાહેરાતઃ MSME - મેગા ઇન્‍ડસ્‍ટ્રી-મોટા ઉદ્યોગો હશે કેન્‍દ્રસ્‍થાને : જીએસપી કોમ્‍પેન્‍સેશન, નાણાકીય ઇન્‍સેન્‍ટીવ સહિતની પેન્‍ડીંગ માંગણીઓને નવી નીતિમાં આવરી લેવાશે

નવી દિલ્‍હી, તા.૧૦: ગુજરાત રાજય વિધાનસભાની ચુંટણી આડે થોડા મહિના જ બાકી રહ્યા છે ત્‍યારે ભાજપા સરકારે ઔદ્યોગિક નીતિઓમાં મહત્‍વના ફેરફારો કરવાની યોજના કરી છે. ત્રણ નવી ઉદ્યોગ સંબંધી નીતિઓ - એમએસએમઇ મેગા ઇન્‍ડસ્‍ટ્રીઝ અને લાર્જ ઇન્‍ડસ્‍ટ્રીઝની જાહેરાત ટુંક સમયમાં થઇ શકે છે જેમાં જીએસટીમાં વળતર જેવા મુદ્દા અને નાણાંકીય, પ્રોત્‍સાહનો પર ધ્‍યાન અપાઇ શકે છે.

જીએસટી અમલી બન્‍યો ત્‍યારથી બંધ કરાયેલ ટેક્ષ પરના નાણાંકીય પ્રોત્‍સાહનો ફરીથી ચાલુ કરવાની માંગણી ઉદ્યોગ દ્વારા ઘણા સમયથી થઇ રહી છે.

રાજય સરકારમાં નિર્ણયો લેવાની પ્રક્રિયા સાથે સંકળાયેલ એક ટોચના સુત્રએ કહ્યું કે વિભીન્‍ન રસ ધરાવતા લોકો અને વિભાગ સાથે ઘણી ચર્ચા વિચારણા પછી રાજય સરકારે વેટમાં જે રીતે વળતર અપાતું તેવી રીતે જીએસટીમાં વળતર આપવાની લાંબા સમયની માંગણી સ્‍વીકારવાનું નક્કી કર્યુ છે.

સરકારમાં ઉચ્‍ચ સ્‍થાને રહેલ સુત્રો અનુસાર, પ્રસ્‍તાપિત યોજના હેઠળ એમએસએમઇ (માઇક્રો, સ્‍મોલ અને મીડીયમ એન્‍ટર પ્રાઇઝ), લાર્જ ઇન્‍ડસ્‍ટ્રીઝ અને મેગા ઇન્‍ડસ્‍ટ્રીઝને બધુ મળીને લગભગ ૧૦,૦૦૦ કરોડનો પ્રત્‍યક્ષ અને પરોક્ષ લાભ મળી શકે છે. સુત્રોએ વધુમાં કહ્યું કે આ ઉપરાંત રાજય સરકારે ધંધાકીય કામગીરી માટે ઉદ્યોગોએ ચૂકવેલ વ્‍યાજ પર ૭ ટકા સુધીની સબસીડી આપવાનું પણ નક્કી કર્યુ છે.

પ્રસ્‍તાવિત નવી નીતિ હેઠળ રાજય સરકારે ઉદ્યોગો દ્વારા થયેલ વીજ વપરાશમાં પ્રતિ યુનિટ એક રૂપિયાનું વળતર આપવાનું પણ નક્કી કર્યુ છે. જે ઉદ્યોગો માટે મહત્‍વનું પ્રોત્‍સાહન બનશે. આ પ્રોત્‍સાહન પ્રોજેકટ શરૂ કર્યાના પ્રથમ પાંચ વર્ષ માટે મળશે તેવુ સુત્રોએ કહ્યુ છે. ૧૦૦૦ કરોડ રૂપિયાથી વધારે રોકાણ કરેલ હોય તે લાર્જ પ્રોજેકટ અને ૫૦૦૦ કરોડ રૂપિયાથી વધારે રોકાણ હોય તેવા પ્રોજેકટને મેગા પ્રોજેકટ ગણવામાં આવે છે.

(10:17 am IST)