Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

ટાટા ગ્રુપની કંપનીને કારણે સરકારને 645 કરોડ રૂપિયાની આવક ઓછી થઈ : CAGનો રિપોર્ટ

ટાટા કમ્યુનિકેશન્સે નાણાકીય વર્ષ 2006-07 થી 2017-18 દરમિયાન કુલ આવક ઓછી દર્શાવી : સરકારને લાયસન્સ ફીના રૂપમાં ઓછી આવક થઈ

મુંબઈ તા.09 : દેશના પ્રતિષ્ઠિત ગણાતા ટાટા ગ્રુપની કંપનીને કારણે સરકારને 645 કરોડ રૂપિયાની આવક ઓછી મળી છે. એવો ઘટસ્ફોટ Comptroller and Auditor General of India (CAG)ના એક રિપોર્ટમાં ખુલાસો સામે આવ્યો છે. ટાટા કમ્યુનિકેશન્સે નાણાકીય વર્ષ 2006-07 થી 2017-18 દરમિયાન કુલ આવક ઓછી દર્શાવી છે. તેના કારણે સરકારને લાયસન્સ ફીના રૂપમાં 645 કરોડ રૂપિયાની ઓછી આવક મળી છે. Comptroller and Auditor General of India (CAG) દ્વારા સોમવારે જાહેર કરાયેલા રિપોર્ટમાં આ વાત સામે આવી છે. CAGએ પોતાના રિપોર્ટમાં ટાટા કમ્યુનિકેશન્સ લિમિટેડ પાસેથી આ રકમ વસૂલવાની જરૂરિયાત દર્શાવી છે.

CAGના અહેવાલ મુજબ, 2006-07 થી 2017-18 સુધીના નેશનલ લોંગ ડિસ્ટન્સ (NLD), ઈન્ટરનેશનલ લોંગ ડિસ્ટન્સ (ILD) અને ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર-IT ( ISP-IT) લાયસન્સ માટે નફા-નુકસાનના સ્ટેટમેન્ટ અને બેલેન્સ શીટ અંગે એક ઓડિટ આ સમયગાળા દરમિયાન એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (એજીઆર)ની વિગતો દર્શાવે છે કે કુલ આવક રૂ.13,252.81 કરોડની હદ સુધી ઓછી નોંધાઈ છે. જેના કારણે લાઇસન્સ ફી તરીકે રૂ. 950.25 કરોડનો ઘટાડો થયો હતો.

CAG અનુસાર, ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન્સ (DoT) એ આ કંપની પર માત્ર 305.25 કરોડ રૂપિયાની ફી લાદી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ટેલિકોમ વિભાગના લાયસન્સ ફીના અંદાજને 305.25 કરોડ રૂપિયા બાદ કર્યા પછી પણ લાયસન્સ ફી 645 કરોડ રૂપિયા રહી ગઈ છે. આ રકમ કંપની પાસેથી વસૂલવી જોઈએ.

CAGના અહેવાલ મુજબ, સ્પેક્ટ્રમ ચાર્જીસ માટે એજીઆરના 0.15 ટકાના ન્યૂનતમ દરને ધ્યાનમાં લેતા, E અને V બેન્ડમાં કેરિયર માટે સ્પેક્ટ્રમ ચાર્જિસ માટે અંદાજિત આવકનું નુકસાન રૂ. 67.53 કરોડ હતું. તેમજ વર્ષ 2020-21 માટે ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સ TSPs) દ્વારા નોંધાયેલ સરેરાશ એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (AGR)પર આધારિત વાર્ષિક અંદાજિત આવકનું નુકસાન એક વર્તુળ માટે રૂ. 3.30 કરોડ હતું. E અને V બેન્ડ ઓપ્ટિકલ ફાઈબરની તુલનામાં ડેટા ટ્રાન્સમિશન ઝડપ પ્રદાન કરે તેવી અપેક્ષા છે. ટેલિકોમ કંપનીઓના રોલઆઉટને વેગ આપવા માટે તેની ખૂબ માંગ છે.

ભારતના Comptroller and Auditor General એ ભારતમાં બંધારણીય સત્તા છે, જેની સ્થાપના ભારતના બંધારણની કલમ 148 હેઠળ કરવામાં આવી છે. તેમને ભારત સરકાર અને રાજ્ય સરકારોની તમામ રસીદો અને ખર્ચનું ઓડિટ કરવા માટે સત્તા આપવામાં આવી છે, જેમાં સરકાર દ્વારા નોંધપાત્ર રીતે નાણાં પૂરા પાડવામાં આવતા સ્વાયત્ત સંસ્થાઓ અને કોર્પોરેશનોનો સમાવેશ થાય છે.

(11:35 pm IST)