Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

ખાંડની નિકાસ મર્યાદામાં વધુ ૭.૭૭ લાખ ટનનો જથ્થો રિલીઝ કરાયો

દેશમાંથી ચાલુ નાણાકીય વર્ષમાં કુલ ૧૧૨ લાખ ટનની નિકાસ થશે : પહેલી ઑગસ્ટ સુધીમાં જ દેશમાંથી ૧૦૦ લાખ ટન ખાંડની નિકાસ પૂર્ણ થઈ

નવી દિલ્લી તા.09 : નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન ખાંડની નિકાસ અગાઉના વર્ષની સરખામણીમાં 39 ટકા વધીને આશરે ૧૨ લાખ ટન થઈ છે. ત્યારે કેન્દ્ર સરકારે ૧૨ લાખ ટનની નિકાસછૂટ આપ્યા બાદ ખાદ્ય મંત્રાલયે પહેલા તબક્કમાં શુગર મિલો માટે નિકાસ કરવા માટે કુલ ૭.૭૭ લાખ ટન ખાંડનો ક્વોટા પણ રિલીઝ કર્યો છે.

શુગર મિલો ખાંડની નિકાસ માટે વધારાના જથ્થાની માગ કરી રહી હતી, કારણ કે બિનનિકાસ જથ્થાને કારણે મિલોને માત્ર નાણાકીય નુકસાન જ નહીં, પરંતુ નિકાસ કરારની પરિપૂર્ણતા અને ફૉરેક્સ હેજિંગમાં નુકસાન માટે મુદત પણ સમાપ્ત થઈ રહી હતી.

કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં ૧૨ લાખ ટનની વધારાની નિકાસછૂટ અપાઈ હોવાથી અનેક શુગર મિલોને મોટી રાહત મળી છે. કેટલીક મિલોએ અગાઉથી જ સોદા કરી રાખ્યા હતા, જેમાં હવે મોટી રાહત મળી છે. આગામી દિવસોમાં સરકાર હજી વધારાનો બાકી રહેલો ક્વોટા પણ નિકાસ માટે રિલીઝ કરશે. દેશમાંથી ચાલુ નાણાકીય વર્ષમાં કુલ ૧૧૨ લાખ ટનની નિકાસ થશે, જે વાર્ષિક ધોરણે એક રેકૉર્ડ બનશે. પહેલી ઑગસ્ટ સુધીમાં જ દેશમાંથી ૧૦૦ લાખ ટન ખાંડની નિકાસ પૂર્ણ થઈ ચૂકી છે. હવે વધારાની ૧૨ લાખ ટનની નિકાસ માટે સપ્ટેમ્બર અંત સુધીનો શુગર મિલો પાસે સમય બચ્યો છે. જોકે મિલો પાસે પૂરતો સ્ટૉક હોવાથી નિકાસ સરળતાથી થઈ શકશે.

(9:34 pm IST)