Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

વિશ્વમાં નવી ચિંતા :આફ્રિકન દેશમાં ઈબોલા-કોરોના કરતાં ભયંકર વાયરસ ‘મારબર્ગ’ની એન્ટ્રી: લોકોમાં ડરનો માહોલ

મોતની ટકાવારી 88 ટકા સુધી: વાયરસમાં મૃત્યુ દર ખુબ જ ઉંચો હોવાથી વિશ્વમાં હાંહાકાર મચાવી શકે

નવી દિલ્હી : વિશ્વમાં કોરોના વાયરસના સંકટ વચ્ચે વધુ એક ખતરનાક વાયરસે એન્ટ્રી મારી  છે. આ વાયરસ એટલો ખતરનાક છે કે, તેને હળવાશથી લેવાની થોડી એવી પણ ભૂલ કરી શકાય નહીં. આ વાયરસમાં મૃત્યુ દર ખુબ જ ઉંચો હોવાથી વિશ્વમાં હાંહાકાર મચાવી શકે છે.

પશ્ચિમી આફ્રિકન દેશ ગીનીમાં ઘાતક મારબર્ગ વાયરસનો પહેલો કેસ સામે આવ્યો છે. એ પછી અહીંના લોકોમાં ડરનો માહોલ ઉભો થયો છે. આ વાયરસની હાજરીનુ વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશને (WHO) પુષ્ટી કરી છે. મારબર્ગને ઈબોલા અને કોરોના કરતા પણ ખતરનાક માનવામાં આવે છે.

આ વાયરસ જાનવરો થકી માણસોમાં ફેલાતો હોય છે. મારબર્ગ વાયરસના કારણે ગીની નામના આ દેશમાં બે ઓગસ્ટે એક વ્યક્તિનુ મોત થયુ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનુ કહેવુ છે કે, આ વાયપરસ ચામાચિડિયાથી ફેલાય છે અને તેના કારણે મોતની ટકાવારી 88 ટકા સુધી રહે છે. મારબર્ગ વાયરસનો ફેલાવો થવાની શકયતા પણ રહેતી હોય છે. જેનો અર્થ એ થયો કે તેને વહેલી તકે રોકવાની જરુર છે.

ગીની દેશમાં ઈબોલા વાયરસનો પ્રકોપ સમાપ્ત થયાની સત્તાવાર જાહેરાતના બે મહિના બાદ જ આ વાયરસે દેખા દીધી છે. જોકે વૈશ્વિક સ્તરે મારબર્ગ વાયરસ હજી એટલો ખતરનાક નથી. આ વાયરસ સામાન્ય રીતે રોસેટ્સ પ્રકારના ચામાચિડિયાની ગુફાઓ સાથે જોડાયેલો છે. તેનાથી જો કોઈ વ્યક્તિ સંક્રમિત થાય તો તે બીજા વ્યક્તિઓને સંક્રમિત ખરી શકે છે.

(10:32 pm IST)