Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

ભાજપના કાર્યકરની મૂક પત્ની પર સામૂહિક દુષ્કર્મ

પ. બંગાળમાં ચૂંટણી બાદ હિંસા-અરાજકતાનો માહોલ : પીડિતાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા તેના આધારે બે સગીરોની ધરપકડ, મમતાનો પક્ષ બેકફૂટ ઉપર

કોલકાતા, તા.૧૦ : પશ્ચિમ બંગાળમાં ભાજપના કાર્યકરની મૂક પત્ની સાથે સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યા બાદ હાહાકાર મચી ગયો છે. પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના પરિણામ આવ્યા તે પછી શરૂ થયેલી હિંસાનો દોર ચાલુ છે અને ચોંકાવનારી વાત છે કે, મહિલાઓને પણ ટાર્ગેટ કરવામાં આવી રહી છે. ગઈકાલે ભાજપ કાર્યકરની મૂક પત્ની પર રેપ કરવામાં આવ્યા બાદ પીડિતાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે બે સગીર વયના લોકોની ધરપકડ કરી છે.

ઘટના બાદ મમતા બેનરજીની પાર્ટી બેકફૂટ પર છે. ટીએમસીએ કહ્યુ છે કે, અમે પીડિતાની સાથે છે અને ઘટનામાં દોષિતોને સજા કરવામાં આવે. દરમિયાન બંગાળમાં ભાજપના વિરોધ પક્ષના નેતા શુવેન્દુ અધિકારીએ કહ્યુ છે કે, મહિલા સીએમના રાજમાં રેપને રાજકીય હથિયાર તરીકે વાપરવામાં આવી રહ્યુ છે. પોલીસ અને તંત્ર અમાનવીય અપરાધને ઢાંકવા માટે અને આરોપીઓને બચાવવા માટે પ્રયત્ન કરી રહ્યુ છે.

અમારી પ્રાથમિકતા મહિલાને ન્યાય મળે તે નિશ્ચિત કરવાની છે. મહિલાની ફરિયાદ પ્રમાણે તે રાત્રે ઘરે એકલી હતી ત્યારે ટીએમસીના બે નેતાઓ અને બીજા ત્રણ લોકોએ ઘરમાં ઘૂસીને તેના પર રેપ કર્યો હતો. મહિલાનો પતિ અને ભાજપ કાર્યકર બહારગામ ગયો હતો. તે બીજા દિવસે ઘરે આવ્યો ત્યારે તેણે પોતાની પત્નીને બેહોશ પડેલી જોઈ હતી. તેને પછી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવમાં આવી છે. પીડિત મહિલાને થોડા સમય પહેલા સ્ટ્રોક આવ્યો હતો અને તે બોલી શકતી નથી.

(7:59 pm IST)