Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

રાજયસભામાં ભાજપ સાંસદોની ગેરહાજરી અંગે PM મોદીની નારાજગીઃ માંગ્યું લિસ્ટ

નવી દિલ્હી, તા.૧૦: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રાજયસભામાં ભાજપ સાંસદોની ગેરહાજરી અંગે નારાજગી વ્યકત કરી છે. તેમણે સોમવારે ગૃહમાં ગેરહાજર રહેનારા સભ્યોની યાદી માંગી છે. સૂત્રોએ જણાવ્યું કે, મંગળવારે ભાજપ સંસદીય દળની બેઠકમાં બોલતાં પીએમ મોદીએ સંસદીય કાર્ય મંત્રી પ્રહ્લાદ જોશીને તે લોકોની વિગતો આપવા કહ્યું જે મતદાન સમયે ગૃહમાં હાજર નહોતા.

સોમવારે રાજયસભામાં ચર્ચા બાદ વિપક્ષી સભ્યોના હંગામા વચ્ચે અધિકરણ સુધાર વિધેયક, ૨૦૨૧ને મંજૂરી આપવામાં આવી હતી. આ બિલમાં મૂવીઝ એકટ, કસ્ટમ એકટ, ટ્રેડ માકર્સ એકટ સહિત અનેક કાયદામાં સુધારો કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. વિપક્ષે આ બિલને સિલેકટ કમિટીમાં મોકલવાનો પ્રસ્તાવ મૂકયો હતો અને પછી તે અંગે વોટિંગની માંગ કરી. જો કે, આ દરમિયાન ગૃહે ૪૪ની સરખામણીએ ૭૯ મતોથી વિપક્ષના પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો હતો. રાજયસભામાં હાલમાં ભાજપના કુલ ૯૪ સભ્ય છે.

સંસદીય દળની બેઠક દરમિયાન, પીએમ મોદીએ સાંસદોને ખેલાડીઓની પ્રતિભાની ઓળખ કરવા કહ્યું છે. વડાપ્રધાને સાંસદોને પોતપોતાના વિસ્તારમાં રમતગમત સ્પર્ધાઓ યોજવા હાકલ કરી છે. તેમણે સાંસદોને કહ્યું કે, કોઇપણ ગરીબ પરિવાર આયુષ્માન ભારત ગોલ્ડન કાર્ડ વિનાનો ન હોવો જોઇએ. ઉપરાંત તેમણે દેશમાં પીએમ કરીબ કલ્યાણ અન્ન યોજનાને પ્રોત્સાહન આપવાનું સૂચન કર્યું છે.

(3:31 pm IST)