Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

સાંસદો - ધારાસભ્યો વિરૂધ્ધના કેસ પાછા ખેંચવા હાઇકોર્ટની મંજુરી જરૂરી

સુપ્રિમ કોર્ટનો આદેશ... હાઇકોર્ટની પરવાનગી વિના કેસ પરત નહિ લઇ શકે રાજ્ય સરકાર : ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા નેતાલોગની ચિંતા વધશે : રાજનીતિના અપરાધીકરણ સાથે જોડાયેલા કેસની સુનાવણી થઇ : બધા પક્ષોએ ઉમેદવારો જાહેર કર્યાના ૪૮ કલાકમાં તેમની સામેના ક્રિમીનલ કેસોની વિગતો આપવી પડશે : કોર્ટનો આદેશ

નવી દિલ્હી તા. ૧૦ : સુપ્રીમ કોર્ટે રાજકીય પાર્ટીઓના ઉમેદવારોના ગુનાહિતકરણને લગતાં એક કેસમાં મોટો ચુકાદો આપ્યો છે. તે અંતર્ગત હવે તમામ રાજકીય પાર્ટીઓએ ઉમેદવારોના એલાનના ૪૮ કલાકની અંદર કેસની જાણકારી આપવી પડશે. શીર્ષ અદાલતના આ નિર્ણયનો હેતુ રાજકારણમાં ગુનાહિતકરણ ઓછુ કરવાનો છે.

સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપતા જણાવ્યું હતું કે હાઇકોર્ટની પરવાનગી વગર સાંસદો અને વિધાયકો વિરૂદ્ઘ અપરાધોના કેસ પાંચ નહીં ખેંચવામાં આવે. કોર્ટે જણાવ્યું હતું કે રાજય સરકારો જે ટે સંબંધિત મામલે હાઇકોર્ટની પરવાનગી વિના કેસ પાછો નહીં ખેંચી શકે. હાઇકોર્ટ દ્વારા તાજેતરમાં જ કેરળના એક કેસમાં સુપ્રીમ કોર્ટના જજમેંટ પર આધારિત ચુકાદો આપશે. કોર્ટે કહ્યું હતું કે તમામ હાઇકોર્ટનાં રજીસ્ટાર જર્નલ પોતાના ચીફ જસ્ટિસને સાંસદો અને વિધાયકો વિરુદ્ઘ ચાલતા તમામ કેસની માહિતી આપે. સાંસદો અને વિધાયકો વિરુદ્ઘ ગુનાની ટ્રાયલ જલ્દી પતાવવાની અને તેનું ધ્યાન રાખવા માટે સુપ્રીમ કોર્ટની સ્પેશ્યલ બેચ બેસાડવામાં આવશે.

જસ્ટિસ આરએફ નરીમન અને બીઆર ગવઇની પીઠે આ અંગે પોતાના ૧૩ ફેબ્રુઆરી, ૨૦૨૦ના નિર્ણયમાં નિર્દેશને સંશોધિત કર્યો. જણાવી દઇએ કે પીઠ બિહાર વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારોના ગુનાહિત ઇતિહાસને પ્રકાશિત કરવામાં નિષ્ફળતાનો આરોપ લગાવતાં કરવામાં આવેલી અવમાનના અરજીઓમાં ચુકાદો આપી રહી હતી.

ફેબ્રુઆરી ૨૦૨૦ના ચુકાદાના પેરા ૪.૪માં, સુપ્રીમ કોર્ટે તમામ રાજકીય પાર્ટીઓને આદેશ આપ્યો હતો કે ઉમેદવારોની પસંદગીના ૪૮ કલાકમાં અથવા નોમિનેશન દાખલ કર્યાની પહેલી તારીખથી ઓછામાં ઓછા બે અઠવાડિયા પહેલા તેની વિગતો પ્રકાશિત કરવી પડશે. પરંતુ આજના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી દીધી છે કે રાજકીય પાર્ટીઓના ઉમેદવારોનું એલાન કર્યાના ૪૮ કલાકમાં તેના ગુનાહિત રેકોર્ડની જાણકારી આપવી પડશે.

સાંસદો અને વિધાયકોની વિરુદ્ઘમાં ચાલતા કેસ પર સ્ટેટ્સ રિપોર્ટ દાખલ ન કરવા પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર સામે નારાજગી પણ દર્શાવી હતી. ચીફ જસ્ટિસ એન. વી. રમન્નાએ કહ્યું હતું કે અમે શરૂઆતથી જ કેન્દ્રને આગ્રહ કર્યો હતો કે એ સાંસદો અને વિધાયકોની સામે ચાલતા કેસોની બાબતમાં ગંભીર થઈ જાઓ. પરંતુ કેન્દ્ર સરકાર તરફથી કોઈ પગલા લેવામાં ન્હોતા આવ્યા. કોઈ પણ પ્રકારની પ્રગતિ જોવા મળી નહીં.

ઇન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટનાં સ્ટેટ્સ રિપોર્ટ પેપરમાં છપાવા બાબતે પણ તેમનર નારાજગી દર્શાવી હતી. ઇન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટનાં રિપોર્ટમાં આરોપીઓની સૂચિ પણ હતી. સુપ્રીમ કોર્ટે સીબીઆઇને સ્ટેટ્સ રિપોર્ટ દાખલ કરવા માટે આ છેલ્લી તક આપી હતી. કોર્ટે બે અઠવાડિયાના સમયની અંદર રિપોર્ટ દાખલ કરવા માટે કહ્યું હતું.

(3:20 pm IST)