Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

ઈન્ડેનનું નવું એલપીજી કનેકશન જોઈએ છે? તો આ નંબર ૮૪૫૪૯ ૫૫૫૫૫ પર મિસ્ડ કોલ કરો

દેશભરમાં નવું એલપીજી જોડાણ મેળવવા માટે ઈન્ડિયન ઓઈલના ચેરમેને મિસ્ડ કોલ સુવિધા શરૂ કરીઃ વર્તમાન ગ્રાહકો તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી મિસ્ડ કોલ કરી એલપીજી રિફીલ નોંધાવી શકશે

રાજકોટઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીના ડિજિટલ ઈન્ડિયાના સ્વપ્ન તથા ગ્રાહકોની સુવિધામાં વધારો કરવાના સતત પ્રયાસને આગળ ધપાવતા ઈન્ડિયન ઓઈલે મિસ્ડ કોલ કરી નવું એલપીજી જોડાણ મેળવવા માટેની સુવિધા તમામ સ્થાનિક ગ્રાહકો સુધી વિસ્તારી છે. દેશભરના સંભવિત ગ્રાહકો હવે ૮૪૫૪૯૫૫૫૫૫ પર મિસ્ડ કોલ કરી નવું જોડાણ મેળવી શકશે. હાલમાં ઈન્ડિયન ઓઈલ એ એક માત્ર ઓઈલ માર્કેટિંગ કંપની છે જેણે તેના વર્તમાન અને નવા સંભવિત ગ્રાહકો સુધી આ સુવિધા ઉપલબ્ધ બનાવી છે.

દેશભરના ગ્રાહકો માટે આ પહેલનો પ્રારંભ કરતાં ઈન્ડિયન ઓઈલના ચેરમેન શ્રી એસ.એમ. વૈદ્યએ જણાવ્યું હતું કે સૌથી વધુ ગ્રાહકલક્ષી અભિગમ અને સુવિધાઓ ધરાવતી અમારી કંપની ગ્રાહકોના વર્તમાન અનુભવને ગઈકાલ કરતાં વધુ બહેતર બનાવવા પ્રયત્નશીલ રહે છે. અત્યાધુનિક ટેક્નોલોજીની મદદથી અમે ઈન્ડેનના ગ્રાહકોને સતત નવી સુવિધાઓ ઉપલબ્ધ બનાવતાં રહીએ છીએ. મને વિશ્વાસ છે કે આ મિસ્ડ કોલ સુવિધાથી ગ્રાહકો માટે એલપીજી સરળતાથી ઉપલબ્ધ બનશે અને તેમને રાહત પૂરી પાડશે.

દેશભરમાં રિફીલ બૂકિંગ માટે મિસ્ડ કોલ સુવિધા અને પસંદગીના સ્થળોએ નવા કનેકશનની સુવિધા અગાઉ જાન્યુઆરી, ૨૦૨૧માં લોન્ચ કરાઈ હતી. ઝંઝટ મુકત મિસ્ડ કોલની સુવિધાથી નવું કનેકશન મેળવવામાં ગ્રાહકોના ઘણાં સમયની બચત થવાની સાથે જ તેમના માટે સમગ્ર પ્રક્રિયા સરળ બની જાય છે. તેનાથી ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોના ઉંમરલાયક ગ્રાહકોને વિશેષ લાભ થશે.

ગ્રાહકો તેમના એલપીજી રિફીલનું બૂકિંગ તથા તેના નાણાંની ચૂકવણી ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ (બીબીપીએસ), ઈન્ડિયન ઓઈલ એપ અથવા https://cx. indianoil.in.ના પોર્ટલ પરથી પણ કરી શકે છે. ગ્રાહકો વોટ્સએપ(૭૫૮૮૮૮૮૮૨૪), એસએમએસ/ IVRS (૭૭૧૮૯ ૫૫૫૫૫)ના માધ્યમથી અથવા તો એમેઝોન પર એલેકસાના દ્વારા અથવા પેટીએમચેનલ્સ દ્વારા પણ રિફીલ બુકિંગ અને તેનું પેમેન્ટ કરી શકે છે.

આ અંગે વધુ માહિતી માટે અંજલી ભાવે (જીએમ- સીસી, ઈન્ડિયન ઓઈલ મો.૭૫૦૬૪ ૪૮૬૫૫)નો સંપર્ક કરી શકાય છે.

(1:26 pm IST)