Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

'વિશ્વ સિંહ દિવસ'

વાઇસરોય કે વિધ્વંશક ?નો કટાક્ષ સિંહોના સંરક્ષણ સુધી દોરી ગયો

આજે સવાસો વર્ષ પછી ગીરમાં સિંહની સંખ્યા ૧૦૦ થી ૭૦૦એ પહોંચી : જાણીતા વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર અને ગુજરાત વાઇલ્ડ લાઇફ બોર્ડના સક્રિય સભ્ય શ્રી ભૂષણ પંડયા એ સિંહોની ઉપરોકત તસ્વીરો ખેંચેલી છે

રાજકોટઃ આજે વિશ્વ સિંહ દિવસ છે.  ગીરના સિંંહોના અસ્તિત્વ ઉપર જોખમ સર્જાયું હતું. સવાસો વર્ષ પહેલા ગીરના જંગલોમાં માત્ર ૬૦ થી ૧૦૦ સિંહો બચ્યા હતા ત્યારે એક જાગૃત નાગરીકે તત્કાલીન બ્રિટીશ વાઇસરોય  લોર્ડ કર્ઝનને અખબારના માધ્યમથી ઢંઢોળ્યા હતા અને સિંહોના સંરક્ષણની શરૂઆત થઇ. આજે સવાસો વર્ષના અંતે આપણે ગીરના જંગલોમાં ૬૦ થી ૧૦૦ ની સંખ્યા આજે ૭૦૦ આસપાસ  પહોંચી છે. સ્થાનીક લોકો અને વન તંત્રના સહીયારા પ્રયાસોના કારણે આજે સિંહની ડણક ૩૦ હજાર સ્કેવર કિલોમીટર વિસ્તારમાં સાંભળવા મળી રહી છે. સૌરાષ્ટ્રના ૯ જીલ્લાઓમાં સિંહ બિન્દાસ્ત બની આંટાફેરા મારી રહયા છે. ત્યારે જાણીતા વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર અને ગુજરાત વાઇલ્ડ લાઇફ બોર્ડના સક્રિય સભ્ય શ્રી ભુષણભાઇ પંડયાએ સિંહ દિવસની શુભેચ્છા પાઠવતા મેસેજમાં સિંહોને સલામતી બક્ષવા વધુમાં વધુ અસરકારક પગલાઓ લેવા તંત્ર અને લોકોને અપીલ કરી છે. ર૦૧૩ થી વિશ્વ સિંહ દિવસની ઉજવણી શરૂ થઇ છે.

'વાઇસરોય ઓર વંડાલ ?'ના કટાક્ષભર્યા હેડીંગને વાંચીને સિંહ સંરક્ષણ માટે જાગૃત બનેલા લોર્ડ કર્ઝને ગીરના જંગલોમાં શિકાર કરવાનું માંડી વાળ્યું હતું. નવાબ રસુલખાનજી ત્રીજાએ તેમને જુનાગઢ આવી સિંહના શિકારનું આમંત્રણ આપ્યું ત્યારે મુંબઇના અખબારમાં એક જાગૃત નાગરીકને કવોટ કરી ઉપરોકત હેડીંગ હેઠળ સમાચાર બનાવવામાં આવ્યા હતા. આ હેડીંગનો અર્થ થાય છે ' વાઇસરોય કે સિંહોના વિધ્વંશક?'  ત્યાર બાદ લોર્ડ કર્ઝને નવાબને સિંહોને બચાવવાનો સમય પાકી ગયો છે તેમ કહી શિકાર અટકાવવાની સલાહ આપી હતી અને ત્યારથી નવાબ અને તેમના પુર્વજોએ સિંહોનો શિકાર બંધ કરી તેમના સંરક્ષણનું કાર્ય આદર્યુ હતું.  આજે લોકોને ઇતિહાસની  આ મહત્વની ઘટના પ્રસ્તૃત કરી સિંહના લાલનપાલન માટે  લોકોને જાગૃત કરવાનો પ્રયાસ શ્રી ભુષણ પંડયાએ કર્યો છે. તસ્વીરમાં તેમણે લીધેલા સિંહોના વિવિધ લાક્ષણીક અંદાજો નજરે પડે છે. 

(1:25 pm IST)