Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

પાકિસ્તાન પર લાગેલા આક્ષેપોનું ખંડન કરતા વિદેશમંત્રી કુરેશી

અફઘાનિસ્તાનમાં કેટલાક તત્વો શાંતિ ઇચ્છતા નથી : પાકિસ્તાનની સ્થિતિ 'સેન્ડવીચ' જેવી

ઇસ્લામાબાદ, તા. ૧૦ :  અફઘાનિસ્તાન મુદ્દે પાકિસ્તાન સતત પોતાના હાથ પાછા ખેંચી રહ્યું છે. પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમુદ કુરેશીનું કહેવું છે કે અફઘાનિસ્તાનમાં મળેલી નિષ્ફળતા ફકત પાકિસ્તાનની નહીં પણ બધાની સામુહિક જવાબદારી છે. તેમણે એમ પણ કહ્યું છે કે કોઇપણ દેશ આનાથી મોઢું ના ફેરવી શકે. એક પ્રેસ કોન્ફરનસ દરમ્યાન કુરેશીએ કહ્યું કે કેટલાક એવા તત્વો છે જે અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થપાય તેવું નથી ઇચ્છતા. આવા તત્વો પાકિસ્તાનની છબી ખરાબ કરવાની કોશિષ કરી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં પાકિસ્તાન સેન્ડવીચની જેમ ફસાયેલું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનની ખરાબ સ્થિતિ માટે ત્યાંના વર્તમાન અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિઓ પાકિસ્તાનને જવાબદાર ગણે છે. અમેરિકાના ભૂતપૂર્વ એન.એસ.એ.એ પણ પાકિસ્તાન પર આવા જ આક્ષેપ મુકયા છે. જો કે પાકિસ્તાન સતત આ આક્ષેપોનું ખંડન કરતું રહ્યું છે.

કુરેશીનું કહેવુ છે કે પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં કોઇને ગમતુ નથી. અફઘાન સરકાર તેને પસંદ નથી કરતી તો તાલીબાન પણ તેને પસંદ નથી કરતા. તેમણે કહ્યું કે અફસોસ એ વાતનો છે કે પાકિસ્તાનને આમાં બલીનો બકરો બનાવાઇ રહ્યો છે. અફઘાનિસ્તાન બાબતે પાકિસ્તાન સામે આંગળી ચીંધવા કરતા ત્યાંની સેના અને સરકાર આ બાબતનું નિરાકરણ લાવવું જોઇએ.

(1:23 pm IST)