Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

ગુજરાતમાં શિક્ષણની સ્‍થિતિ ઉત્તરપ્રદેશ કરતા ખરાબ

દેશમાં વિકાસ મોડલ ગણાતા ગુજરાતમાં ૩૩ જિલ્લાઓમાંથી ૨૦ જિલ્લાઓ શૈક્ષણિક રીતે પછાત છે : શિક્ષણમંત્રી ધર્મેન્‍દ્ર પ્રધાન : ઉત્તર ગુજરાતના તમામ જિલ્લા શિક્ષણમાં પાછળ : સૌરાષ્‍ટ્ર ઝોનના ૭ જિલ્લા શૈક્ષણિક પછાતની યાદીમાં

 

નવી દિલ્‍હી તા. ૧૦ : દેશમાં વિકાસ મોડલ ગણાતા ગુજરાતમાં ૩૩ જિલ્લાઓમાંથી ૨૦ જિલ્લાઓ શૈક્ષણિક રીતે પછાત છે તેવી શિક્ષણમંત્રી ધર્મેન્‍દ્ર પ્રધાને આપી માહિતી આપી છે, લોકસભામાં દેશમાં શૈક્ષણિક સ્‍થિતિ અંગે ચર્ચા ચાલી રહી હતી તે દરમિયાન કેન્‍દ્રિય શિક્ષણમંત્રી ધર્મેન્‍દ્ર પ્રધાને અહેવાલ રજૂ કરતા ગુજરાતની શિક્ષણ સ્‍થિતિ અંગે તારણો રજૂ કર્યા હતા.

તેમના જણાવ્‍યા મૂજબ ગુજરાતના ૩૩માંથી ૨૦ જિલ્લા શૈક્ષણિક રીતે પછાત છે તેમજ દેશમાં ૩૭૪ અને ગુજરાતમાં ૨૦ જિલ્લા શૈક્ષણિક પછાત હોવાનું કહ્યું હતું જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર ઝોનના ૭ જિલ્લા શૈક્ષણિક રીતે પછાત હોવાની યાદીમાં સામેલ હોવાનું તેમણે જણાવ્‍યું છે. આ સાથે જ ગુજરાત કુલ જિલ્લામાં શૈક્ષણિક સ્‍થિતિ અનુસાર દેશમાં છઠ્ઠા ક્રમે આવે છે. જયારે મધ્‍ય ગુજરાતમાં ૩ અને દક્ષિણ ગુજરાતના ૫ જિલ્લા શૈક્ષણિક દૃષ્‍ટીએ નિમ્‍ન કક્ષા ધરાવતા હોવાનું સામે આવ્‍યું છે.

ધર્મેન્‍દ્ર પ્રધાને લોકસભામાં જણાવ્‍યું કે ગુજરાતની સ્‍થિતિ ઉત્તર પ્રદેશ કરતા પણ ખરાબ છે, તેમણે યુપીમાં ૫૬ ટકા જિલ્લા શૈક્ષણિક રીતે પછાત છે તો ગુજરાતમાં ૬૧ ટકા જિલ્લામાં શૈક્ષિણિક વિકાસ થઈ શક્‍યો નથી જયારે રાજસ્‍થાનમાં ૯૧ ટકા, MPમાં ૭૫ ટકા અને તમિલનાડુમાં ૭૧ ટકા, બિહારમાં ૬૬ ટકા જિલ્લા શૈક્ષિક રીતે પછાત હોવાનું કેન્‍દ્રિયમંત્રી ધર્મેન્‍દ્ર પ્રધાને જણાવ્‍યું હતું.

મધ્‍ય ગુજરાતમાં ૩ જિલ્લાઓ જયારે દક્ષિણમાં ૫ જિલ્લાઓ શૈક્ષણિક પછાત છે. રાજયમાં કુલ જિલ્લાઓમાં પછાત જિલ્લાઓની ટકાવારી મુજબ, રાજસ્‍થાનમાં ૯૧ ટકા જિલ્લા શૈક્ષણિક પછાત છે. મધ્‍યપ્રદેશમાં ૭૫ ટકા, તમિલનાડુમાં ૭૧ ટકા, બિહારમાં ૬૬ ટકા છે. ઉત્તરપ્રદેશમાં ૫૬ ટકા છે. ગુજરાતની સ્‍થિતિ દેશમાં ટકાવારીમાં છઠ્ઠા ક્રમે છે. જોકે, ગુજરાતની સ્‍થિતિ ઉત્તરપ્રદેશ કરતાં ખરાબ છે.

લોકસભામાં શિક્ષણ મંત્રી ધર્મેન્‍દ્ર પ્રધાન વધુમાં જણાવ્‍યું કે યુનિવર્સિટી ગ્રાન્‍ટ કમિશનની એક્‍સપર્ટ કમિટી દ્વારા દેશમાં કુલ ૩૭૪ જિલ્લાઓને શૈક્ષણિક રીતે પછાત જિલ્લા તરીકે નક્કી કરવામાં આવ્‍યા હતા. કમિટીએ ગ્રોસ એનરોલમેન્‍ટ રેશિયો, કોલેજ-પોપ્‍યુલેશન રેશિયો, પ્રતિ કોલેજ સરેરાશ એનરોલમેન્‍ટ વગેરે જેવા પેરામીટરને આધારે આ જિલ્લાઓની ઓળખ કરવામાં આવી હતી.

(11:11 am IST)