Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

વૈજ્ઞાનિકોનો દાવો

કોરોના સંક્રમણ પછી બુઝર્ગોમાં જાતજાતની તકલીફ

એક તૃત્યાંશ લોકોને થાક, નબળાઇ, પથારીમાંથી ઉઠયા પછી હલનચલનમાં તકલીફ

વોશિંગ્ટન તા. ૧૦ : કોરોનાનું નવું રૂપ ખાસ કરીને વડીલોને અલગ રીતે પરેશાન કરી શકે છે. જર્નલ ઓફ ગેરેનોટોલોજીમાં પ્રકાશિત રિપોર્ટમાં વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, બુઝર્ગ દર્દીઓમાં કોરોના સંક્રમણ હવે અલગ સ્વરૂપમાં દેખાઇ શકે છે.

મુખ્ય રિસર્ચર અને હેલ્થ સાયકોલોજીસ્ટ એલીસન મારજીલીયાનોનું કહેવું છે કે કોરોના સંક્રમણના કારણે બુઝર્ગોમાં તાવ, ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ સિવાય અન્ય પ્રકારની આરોગ્ય વિષયક તકલીફો થઇ શકે છે.

રિસર્ચરો અનુસાર ઉંમરના હિસાબે અસામાન્ય લક્ષણના કેસો વધારે જોવા મળ્યા છે. ૬૫ થી ૭૪ વર્ષના ૩૧ ટકા વડીલોમાં આ પ્રકારના કેસ વધારે છે. ૮૫ વર્ષથી વધારે વયના ૪૪ ટકા લોકોમાં આવી તકલીફો જોવા મળી છે. ડાયાબીટીસ અને ડીમેંશીયાના દર્દીઓમાં આવા લક્ષણો વધારે જોવાયા છે.

રિસર્ચરોને જાણવા મળ્યું છે કે, અભ્યાસમાં સામેલ ૧૧ ટકા દર્દીઓને માનસિક આરોગ્ય સાથે જોડાયેલી તકલીફો પણ થઇ હતી. ભ્રમિત રહેવું, ગભરામણ, ભુલવાની સાથે સુસ્તી જેવી તકલીફો પણ અનુભવાઇ હતી. રીસર્ચમાં એ પણ કહેવાયું છે કે અડધા લોકોને તાવ, શ્વાસની તકલીફ સાથે ખાંસીની પણ તકલીફ થઇ હતી.

કોરોનાથી સૌથી વધારે ખતરો બુઝર્ગોને હોવા છતાં રિપોર્ટમાં કહેવાયું છે કે અસામાન્ય લક્ષણોથી પિડાતા બુઝર્ગોને આઇસીયુ અથવા વેન્ટીલેટરની જરૂર નહોતી પડી. જો કે આવા રોગીને સરેરાશ ૧૦ દિવસ હોસ્પિટલમાં રહેવું પડયું હતું. કેટલાકના મોત પણ થયા હતા.

(10:24 am IST)