Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

ત્રીજી લહેર કેટલું તૈયાર છે ગુજરાત?

મહારાષ્ટ્રમાં ઓકિસજન બેડની સંખ્યા ૧,૦૯,૪૦૯ છેઃ ગુજરાતમાં માત્ર ૩૭,૩૪૩ જ

લોકસભામાં આપવામાં આવી માહિતી

નવી દિલ્હી, તા.૧૦: કોરોનાની ત્રીજી લહેર આવવાની ચર્ચા ચાલી રહી છે ત્યારે સરકારની તેના માટેની તૈયારી ચિંતાજનક છે. યુનિયન મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ભારતી પવારે લોકસભામાં આપેલી માહિતી અનુસાર ગુજરાતમાં ૩૭,૩૪૩ ઓકિસજન બેડ ઉપલબ્ધ છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતની વસતી ૬.૫ કરોડ છે જયારે પાડોશી રાજય મહારાષ્ટ્રની વસતી ૧૧.૪૨ કરોડ છે. જો મહારાષ્ટ્રની વાત કરવામાં આવે તો ત્યાં ૧,૦૯,૪૦૯ ઓકિસજન બેડ છે. આ આંકડો ગુજરાતની સરખામણીમાં ત્રણ ગણો મોટો છે.

નોંધનીય છે કે કોરોનાની બીજી લહેર દરમિયાન ૧૦મી મેના રોજ રાજય સરકારે માહિતી આપી હતી કે રાજયમાં ૬૦,૧૦૦ ઓકિસજન બેડ ઉપલબ્ધ છે. પહેલી જુલાઈના રોજ ત્રીજી લહેરની તૈયારીના સંદર્ભમાં ફરી એકવાર રાજય સરકારે જણાવ્યુ હતું કે રાજયમાં ૬૦,૦૦૦થી વધારે ઓકિસજન બેડ ઉપલબ્ધ છે અને સરકારની આ સંખ્યા વધારીને ૧.૧ લાખ સુધી કરવાની યોજના છે.

આ દરમિયાન લોકસભામાં જમા કરવામાં આવેલી માહિતી અનુસાર ગુજરાતમાં ૧૩,૭૧૬ ત્ઘ્શ્ બેડ છે અને ૬૫૧૬ વેન્ટિલેટર છે. ઉલ્લેખનીય છે કે દેશભરમાં ૧.૨૪ લાખ આઈસીયુ બેડ છે અને ૫૮,૬૫૯ વેન્ટિલેટર છે. દેશભરમાં ૨૨,૯૫૦ કોવિડ કેર કેન્દ્રો છે જેમાંથી ૨૨૭૫ ગુજરાતમાં છે. આ તમામ માહિતી લોકસભામાં રજૂ કરવામાં આવી હતી. તમિલનાડુ અને મહારાષ્ટ્ર પછી સૌથી વધારે ઓકિસજન સપોર્ટ ધરાવતા બેડ ગુજરાતમાં છે. ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીની શરુઆત થઈ ત્યારે માર્ચ, ૨૦૨૦માં ઓકિસજન બેડની સંખ્યા માત્ર ૪૦૬૧ હતી, જેમાં એક વર્ષમાં ૩.૭ ગણો વધારો થયો છે.

કેન્દ્રના આંકડા અનુસાર, માર્ચ, ૨૦૨૦થી એપ્રિલ ૨૦૨૧ દરમિયાન ઓકિસજન બેડની સંખ્યા ૪૦૬૧થી વધીને ૧૫,૨૦૩ થઈ છે. પરંતુ જો અન્ય રાજયો સાથે સરખામણી કરાવમાં આવે તો આ વધારો સૌથી ઓછો છે. ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટીના ચાર સાંસદો નારણભાઈ કછાડિયા, ગીતાબેન રાઠવા, પરબતભાઈ પટેલ અને જસવંત ભાભોરના પ્રશ્નોના ઉત્ત્।રમાં કોરોનાની ત્રીજી લહેરની તૈયારીને લગતી માહિતી આપવામાં આવી હતી. આરોગ્ય ખાતાના એક અધિકારીએ જણાવ્યું કે, રાજયમાં જેટલા નવા બેડની વ્યવસ્થા કરવામાં આવી છે તેમાંથી મોટાભાગનામાં ઓકિસજન સપોર્ટ ઉપલબ્ધ છે.

(10:20 am IST)